મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાંમંત્રી કનુ દેસાઈ દ્વારા રજુ કરેલ 2024-25 બજેટને આવકાર્યું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ 2024-25ના બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત@2047ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે.
નાણાંમંત્રી કનુ દેસાઈએ વિધાન સભાગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને આવકારતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગયા વર્ષે ઐતિહાસિક રૂપિયા 3 લાખ કરોડનું વિકાસલક્ષી બજેટ આપ્યું હતું. આ વર્ષે ફરી એકવાર તેમાં 10 ટકાનો વધારો કરીને 3 લાખ 32 હજાર કરોડની માતબર જોગવાઈઓ વાળું બજેટ જનતા જનાર્દનની સેવામાં અમે લાવ્યા છીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે પ્રુડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેની સરાહના કરતા ઉમેર્યું કે ગુજરાતનું જાહેર દેવું અત્યાર સુધીના વર્ષોમાં સૌથી ઓછું થયું છે.
2022-23ના હિસાબ ફાઈનલ થયા છે, તે મુજબ રાજ્યનું કુલ દેવું જી.એસ.ડી.પી.ના 15.17 ટકા છે. પાછલાં દસ વર્ષનું આ સૌથી ઓછું દેવું છે અને દેશનાં સૌથી ઓછું દેણું ધરાવતાં ત્રણ મોટાં રાજ્યોમાં ગુજરાતે સ્થાન મેળવ્યું છે.
ગુજરાતના ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટ મુજબ વિધાનસભાએ રાજ્ય સરકારને જી.એસ.ડી.પી.ના 27 ટકા સુધી દેવું વધારવા માટે છૂટ આપેલી છે. આમ છતાં ગુજરાત સરકારે માત્ર 15.17 ટકાનો જ ઉપયોગ કર્યો છે.
દેશના 21 રાજ્યોમાં આ આંકડો 27 ટકાથી વધારે છે, ત્યારે ગુજરાતે નાણાંકીય શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેનું તેમણે ગૌરવ કર્યું હતું.
મુખ્યમંત્રીએ શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે સાત નગરપાલિકાઓ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તથા સુરેન્દ્રનગર/વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને ગાંધીનગર તથા ગિફ્ટ સિટી સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, તેની વિગતો ભૂપેન્દ્ર પટેલે આપી હતી. અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટીની ટ્રાયસિટી તરીકેની આગવી વિકાસ-ઓળખમાં આ સળંગ રિવરફ્રન્ટ નવું સીમાચિન્હ બનશે, એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસથી વિકસિત ગુજરાત એટ 2047નું દિશાદર્શન કરનારું અને વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખનારું મહેસૂલી પૂરાંતવાળું બજેટ આપવા બદલ મુખ્યમંત્રીએ નાણાંમંત્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
