મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોત્રા ગામે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, કી- વોટર્સ, બક્ષીપંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી
Live TV
-
બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોત્રા ગામથી ગઈકાલે ગાવ ચલો... અભિયાનનો પ્રારંભ કરાવી ગામમાં જ રાત્રિ રોકાણ કર્યુ હતુ. ગાવ ચલો અભિયાનના બીજા દિવસે વહેલી સવારથી મુખ્યમંત્રીશ્રીએ જલોત્રા ગામના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, કી- વોટર્સ, ઠાકોર સમાજ- બક્ષીપંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી તેમની સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો સાંભળી તે અંગે યોગ્ય કરવા ની ધરપત આપી હતી. જલોત્રા ગામની ગલીઓમાં ગ્રામજનો દ્વારા ભારત માતા કી જય અને જય શ્રી રામ.. ના જયઘોષ... સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જલોત્રા ગામના તમામ સમાજોએ 100 ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરવાના સંકલ્પ લીધા હતા.
ગાવ ચલો... અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ વિસ્તારના ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરી પાણીનો સદઉપયોગ કરે છે ત્યારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તે માટે વરસાદી ટીપે ટીપા પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડારો સમૃદ્ધ બનાવીએ. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કરતા જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ રાસાયણિક ખેતી કરતા વધુ વળતર આપે છે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે. આ વિસ્તારના 35 વર્ષ જૂના પ્રશ્નનું નિવારણ લાવી કરમાવત તળાવ ભરવા માટે સરકારે રૂ. 862 કરોડની મંજૂરી આપી છે જેનાથી 125 ગામોને ફાયદો થવાનો છે એ બદલ ખેડૂતોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી સમક્ષ ઠાકોર સમાજ- બક્ષીપંચના લોકોએ આયુષ્માન ભારત યોજનાથી થયેલા લાભ વિશે માહિતી આપી સરકારનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ યુવાનોને વ્યસનો થી દૂર રહેવા અને ભણતર પર વિશેષ ભાર મુકવા જણાવ્યું હતું. જ્યારે મહિલાઓએ મારી જોપડીએ આયો મારો રામ આયો... અને
મેળો ભરાયો સાચા સંત નો ગીત ગાઈ ને મુખ્યમંત્રીનું ભાવસભર સ્વાગત કરી ઘર કામ બાદ એક કલાક ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.યુવાનો સાથેના સંવાદમાં યુવાનોએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા તટસ્થ અને પારદર્શક રીતે ભરતી થાય છે જેના લીધે પરીક્ષાઓની તૈયારી કરતા આ વિસ્તારના યુવાનોને પૂરતો ન્યાય મળે છે. સ્ટાર્ટ અપ માટે પ્રોપર્ટી મોર્ગેજ કર્યા વિના લોન આપવામાં આવે છે જેનાથી યુવાનો સ્ટાર્ટઅપ તરફ આગળ વધી રહ્યા છે.
દલિત સમાજ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણા દીકરા - દીકરીઓને ડૉક્ટર, એન્જીનિયર સહિત ઉચ્ચ વ્યવસાયમાં આગળ વધારી આપણા સમાજને આગળ વધારીએ શિક્ષણ જ માણસને નવી ઓળખ આપે છે ત્યારે તમારા બાળકોને ભણાવવા સરકાર તમારી સાથે છે. તમારા સપના સાકાર કરવા એ જ અમારો સંકલ્પ છે ત્યારે તેમણે બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવવા અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જલોત્રા ગામના બાબા રામદેવપીર મંદિર અને જૈન દેરાસરમાં ચંદ્ર પ્રભ સ્વામીના દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીની મુલાકાત વેળાએ પાટણ લોકસભા મતવિસ્તારના પ્રભારી અશોક જોશી, જિલ્લા મહામંત્રી શ્રેયાંશ પ્રજાપતિ, કનુ વ્યાસ અને સંજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રવિણસિંહ રાણા અને દક્ષા સોલંકી, સરપંચ ગલબી ચૌધરી, રમીલા મેવાડા, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ ચૌધરી, મહમંત્રી લાલાજી ઠાકોર અને સતીશ ભોજક, અનુ. જાતિ મોરચા જિલ્લા પ્રમુખ અશ્વિન સક્સેના સહિત ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
