મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કની નિરીક્ષણ મુલાકાત લીધી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કચ્છમાં નિર્માણ થઈ રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્ક-હાઇબ્રિડ એનર્જી પાર્કની કામગીરીની પ્રગતિ નિરીક્ષણ કરવા માટે બુધવારે સવારે ખાવડાની મુલાકાત લીધી હતી. ભારતને ઊર્જા આત્મનિર્ભર બનાવવા કચ્છમાં વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટ રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કાર્ય ૨૦૨૦માં શરૂ કરાવ્યું છે.
વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું નિર્માણ ભારતની ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રસ્થાપિત કરવાના હેતુસર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ગ્રીન-ક્લીન એનર્જી તથા પર્યાવરણ સુરક્ષા માટેના આપેલા વિઝનને સાકાર કરતો આ હાઇબ્રિડ પાર્ક અંદાજે રૂ. 1.50 લાખ કરોડના ખર્ચે નિર્માણ પામશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરી સાથે સંકળાયેલા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, NTPC, GIPCL, GSEC જેવા કેન્દ્ર-રાજ્ય સરકારના સાહસો દ્વારા હાથ ધરાઈ રહેલી કામગીરીનો ઝીણવટપૂર્વક રિવ્યુ ઉચ્ચસ્તરીય બેઠકમાં કરીને વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાના એક એવા આ પ્રોજેક્ટની કાર્ય પ્રગતિ માટેનું સંકલન ઊર્જા વિભાગ સમયાંતરે સમીક્ષા બેઠક યોજીને કરે તેવું સૂચન પણ કર્યું હતું. આ સાથે તેઓએ ખાવડા નજીક કચ્છ સરહદે ધર્મશાળા પાસે અંદાજે ૭૪,૬૦૦ હેક્ટરમાં ફેલાયેલા આ રિન્યૂએબલ એનર્જી પાર્કના સ્થળની પણ મુલાકાત લીધી હતી. તેમણે પાવર જનરેશનથી લઇને ઇવેક્યુએશન અને ટ્રાન્સમીશનાં સમયબદ્ધ આયોજન તેમજ પૂલીંગ સ્ટેશન, ટ્રાન્સમીશન લાઈન વગેરે અંગે પણ બેઠકમાં જાણકારી મેળવી હતી.
તદઅનુસાર, તેમણે તાજેતરમાં મેટ્રો રેલ ફેઝ-2, ધરોઇ એરિયા ડેવલપમેન્ટ અને ધોલેરા SIRની સ્થળ મુલાકાત કરી હતી. એ જ શૃંખલામાં આગળ વધતાં મુખ્યમંત્રીએ કચ્છનાં ખાવડામાં નિર્માણાધિન આ વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કની બુધવારે નિરીક્ષણ મુલાકાત લીધી હતી.