મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના રોડ શોનું નેતૃત્વ કરશે
Live TV
-
આ રોડ શોનો હેતુ VGGS 2024 દ્વારા ગુજરાતને ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ તરીકે ઉજાગર કરવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના રોડ શોનું નેતૃત્વ કરશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાના 20 વર્ષ તેમજ પ્રધાનમંત્રીના ‘વિકસીત ભારત @2047’ના વિઝન અને તે માટેની ગુજરાતની સજ્જતા અંગે મુખ્યમંત્રી સંબોધન કરશે. આ રોડ શો ફિનટેક, આઇટી, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઇન્શ્યોરન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમજ ગુજરાતમાં ફ્યુચર રેડી મેગા પ્રોજેકટ્સમાં મોટા રોકાણો આકર્ષિત કરવા માટેનો માહોલ ઊભો કરશે. આ રોડ શોનો હેતુ VGGS 2024 દ્વારા ગુજરાતને ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ તરીકે ઉજાગર કરવાનો છે.
આ રોડ શોમાં નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઇ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્ય (ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ) મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય (MSME, કુટિર ઉદ્યોગ, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન) મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન ઉપસ્થિત રહેશે.
CIIના પ્રેસિડેન્ટ અને ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન આર. દિનેશ સ્વાગત પ્રવચન આપશે. ત્યારબાદ, વાયબ્રન્ટ ગુજરાત સમિટની એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને તે પછી ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા ગુજરાત અંગેના તેઓના અનુભવો શેર કરવામાં આવશે અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજકુમાર દ્વારા સંબોધન કરવામાં આવશે.
