મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ-2024ના આયોજનને આખરી ઓપ અપાયો
Live TV
-
21મા શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થનારા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓ, તથા ઉચ્ચ અધિકારીઓ માટેની માર્ગદર્શન બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજનારા 21મા શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતા બાળકના ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણે હવે શાળાઓમાં વિશેષ શું જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ગ્રામ્ય સ્તરથી લઈને શહેરી વિસ્તારો સુધી એક સમાન સ્માર્ટ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ હોય તેના પર આ પ્રવેશોત્સવમાં ફોકસ કરવું છે.
મુખ્યમંત્રીએ બેઠકમાં માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં દીકરીઓ માટે રહેલા સામાજિક, કૌટુંબિક, રૂઢિગત વિચારોને દૂર કરીને સહિયારા પ્રયાસોથી કન્યા શિક્ષણને વેગ આપ્યો છે. તેમના નિષ્ઠાવાન સફળ પ્રયાસોને પરિણામે આઠમાં ધોરણ પછી પણ દીકરીઓ ભણતી થઈ છે. એટલું જ નહીં, ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયોમાં પણ મોટો ઘટાડો લાવી શકાયો છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વધુ ને વધુ દીકરીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાય તેને પ્રોત્સાહન આપવાં ‘નમો લક્ષ્મી’ અને વિજ્ઞાન પ્રવાહમાં વધુ બાળકો આવે તે માટે ‘નમો સરસ્વતી’ યોજના આપણે શરૂ કરી છે. તેનો મહત્તમ લાભ છેવાડા સુધી પહોંચાડવા પ્રવેશોત્સવમાં જનાર સૌ કોઈ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા સ્તરે વાલીઓને આ યોજનાઓની સમજ આપે તે જરૂરી છે.
મુખ્યમંત્રીએ નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરનારા અગ્રીમ રાજ્યોમાં ગુજરાત એક છે અને વિકસિત ભારત 2047નો રોડમેપ શિક્ષણના સર્વગ્રાહી વિકાસથી કંડારવાનું આયોજન છે તેની પણ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ પ્રવેશોત્સવમાં જનારા સૌને ખાસ અનુરોધ કર્યો કે, તેઓ જે શાળાની મુલાકાત લે ત્યાંની મૂળભૂત જરૂરીયાતો-બેઝિક નીડની ખૂટતી કડીઓ હોય તો તે પણ તેમના ફીડબેકમાં આપે. આવી ખૂટતી કડી ત્વરાએ પૂર્ણ થાય તે માટેના પ્રયત્નો શિક્ષણ વિભાગ સંબંધિત વિભાગો સાથે સંકલનમાં રહીને કરે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, શાળા પ્રવેશોત્સવનો આ શિક્ષણ સેવાયજ્ઞ વધુ લોક ભાગીદારીથી ઉત્તરોત્તર સફળતા મેળવે તેવું દાયિત્વ આપણે સૌ સાથે મળીને નિભાવીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યશ્રીઓએ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને આપવામાં આવનાર શૈક્ષણિક કીટ અંગેના 'લર્નિંગ કોર્નર'ની પણ આ પ્રસંગે મુલાકાત લઈને વિવિધ સાહિત્યની માહિતી મેળવી હતી.
