મોરબીમાં ખેડૂતોને સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે અધિકારપત્રો કરાયા એનાયત
Live TV
-
મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારે સહાય કરતી સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ખેડૂતોને યોજનાઓના અધિકારપત્રો એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડૉ. ભરતભાઇ બોઘરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
મોરબીના શનાળા પટેલ સમાજવાડી ખાતે ગુરુવારે આયોજિત કાર્યક્રમમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ અને યોજનાના લાભાર્થીઓને અધિકારપત્રો એનાયત કરવાના પ્રસંગે અધ્યક્ષસ્થાને ચેરમેન ડૉ. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની સરકાર ખેડૂતો કોઇપણ પ્રકારની મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. હાલમાં વ્યાપક પ્રમાણમાં પડેલ વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર આપવા સર્વેની કામગીરી ચાલુ છે.ચેરમેન ડૉ. ભરતભાઇ બોઘરાએ વધુમાં એમ પણ જણાવ્યું કે, ખેડૂતોની આવક ડબલ કરવા માટે એક પછી એક ઐતિહાસીક નિર્ણયો કરી ખેડૂતોને ખાતર, વીજળી, પોષણયુક્ત ભાવો, બિયારણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આમ, ખેડૂત સુખી તો ગામ સુખી અને ગામ સુખી તો દેશ સુખીનો મંત્રનો આધાર લઇને રાજ્ય સરકાર ખેડૂતો માટે સતત કાર્ય કરી રહી હોવાની વાતને દોહરાવી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સરકારી યોજનાઓનો લાભ લઇને આધુનિક અને પ્રાકૃતિક ખેતી તરફ વળીને પ્રગતિ કરવાની વિશાળ તકો રહેલી છે. ખેતીમાં પરિવર્તન લાવીને વધુ ઉત્પાદન અને ગુણવત્તા પ્રાપ્ત કરીને ખેડૂતો આગળ આવે તેવી અપીલ પણ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણે મંચસ્થ મહેમાનોને આવકારીને હાલમાં રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી આપી ખેડૂતોને મોટાપ્રમાણમાં આ યોજનાનો લાભ લેવા આહ્વાન કર્યું હતું. ત્યારબાદ સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ખેડૂતો માટે ખાસ તૈયાર કરેલ ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં ૩૩૦ ચો. ફુટ ગોડાઉન બનાવવા માટે મોરબી જિલ્લાના ૨૭૮૬ ખેડૂતોને લાભ આપવામાં આવશે. લાભાર્થી ખેડૂતોને બે ભાગમાં ૩૦૦૦૦ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે. આમ, મોરબી જિલ્લામાં ૨૭૮૬ લાભાર્થીઓને ૮૩૫.૮૦ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. કિસાન પરિવહન યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં ૧૨૭ ખેડૂત લાભાર્થીઓને ૭૬.૨૦ લાખની સહાય ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું. શનાળા ખાતે ના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે મોરબી, ટંકારા અને માળીયા તાલુકાના બાર ખેડૂત લાભાર્થીઓને અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રકારનો જ એક કાર્યક્રમ હળવદ ખાતે ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા ના અધ્યક્ષ સ્થાને પણ આયોજિત કરવામાં આવ્યો હતો. હળવદ એ.પી.એમ.સી. ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પણ હળવદ અને વાકાંનેર તાલુકાના દસ લાભાર્થીઓને અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
