મોરબી જિલ્લાનાં મચ્છુ-3 ડેમનાં 2 દરવાજા ખોલવામાં આવ્યા
Live TV
-
મોરબી જિલ્લામાં શનિવારથી શરુ થયેલ મેઘમહેર રવિવારે પણ યથાવત રહી હતી. રવિવારે સાંજથી લઈને સોમવારે સવાર સુધી મેઘો વરસ્યો હતો જેથી કરીને મોરબી જિલ્લાનાં તમામ ડેમોમાં નવા નીરની આવક થઇ છે તો મચ્છુ-૩ ડેમ ના 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં સારા વરસાદને પગલે વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ સુપ્રસિદ્ધ માટેલીયો ધરો પણ આજે ઓવરફલો થયો છે અને કોઝ વે પરથી પાણી ફરી વળ્યા છે. માટેલીયો ધરો ઓવરફલો થતા રમણીય દ્રશ્યો સર્જાયા છે.
મચ્છુ-1 1.94 ફૂટ, મચ્છુ-2 1.97 ફૂટ, ડેમી-1 10.76 ફૂટ, ડેમી-2 1.31 ફૂટ, ઘોડાધ્રોઈ 3.44 ફૂટ, બંગાવડી 12.43 ફૂટ, બ્રાહ્મણી-1 0.46 ફૂટ, બ્રાહ્મણી-2 1.64 ફૂટ અને ડેમી-3 4.27 ફૂટમાં નવા નીર આવ્યા છે.
મોરબીનાં મચ્છુ-3 ડેમમાં નવા નીરની આવક થતા 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જેથી નીચાણવાળા 21 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે, જેમાં મોરબી તાલુકાના ગોરખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુંળકા, જુના સાદુંળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તો માળીયા મિયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રસંગપર, વીરવદરકા, માળિયા મિયાણા, હરીપર, ફતેપર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ મચ્છુ-૩ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે જેથી સિંચાઈનાં પાણીની પણ તંગી દુર થઈ છે.
મોરબી તાલુકાનાં જીકીયારી ગામ નજીક આવેલ ધોડાધ્રોઈ ડેમ 90 ટકા ભરાઈ ગયો હોય અને ગમે ત્યારે ડેમનાં દરવાજા ખોલવામાં આવે તેમ હોવાનું ડેમ અધિકારીએ જણાવ્યું છે હાલ ડેમમાં 970 ક્યુસેક પ્રવાહની આવક છે જેથી મોરબી તાલુકાનાં ચકમપર, જીકીયારી, જીવાપર અને જેતપર તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા, ચીખલી અને શાપર ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે જે ગ્રામજનોએ નદીના પટમાં નહીં જવા પણ જણાવ્યું છે.
