મોરબી: મુગ્ધા કિશોરીઓ અને યુવતીઓ માટે ‘સ્કાય મોલ’ ખાતે ખાસ ફિલ્મ સ્ક્રીનિંગ
Live TV
-
મોરબી: મુગ્ધા કિશોરીઓ અને યુવતીઓ માટે ‘સ્કાય મોલ’ ખાતે ખાસ ફિલ્મ સ્ક્રીનિંગ
ફિલ્મ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સમાજની વાસ્તવિકતાનો અરીસો પણ છે. આ વિચારને સાર્થક કરતા મોરબીના સ્કાય મોલ મલ્ટીપ્લેક્સ ખાતે સામાજિક અગ્રણીઓ અને આયોજકો દ્વારા એક પ્રેરક જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્કૂલ-કોલેજની કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓ માટે વિશેષ ફિલ્મનું નિશુલ્ક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરક્ષા અને સભાનતાનો હેતુ
આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજની મુગ્ધા કિશોરીઓ અને યુવા દીકરીઓને જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની સમજ આપવાનો છે. વર્તમાન સમયમાં ગેરમાર્ગે દોરતી પરિસ્થિતિઓ સામે દીકરીઓ કેવી રીતે સજાગ રહે અને પોતાની સુરક્ષા પ્રત્યે કેવી રીતે જાગૃત બને, તે માટે આ ફિલ્મ માધ્યમથી પ્રબળ સમજ પૂરી પાડવામાં આવી હતી.
ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં માત્ર વિદ્યાર્થીનીઓ જ નહીં, પરંતુ સ્થાનિક સામાજિક અગ્રણી, નામી ઉદ્યોગપતિઓ, વહીવટી અધિકારીગણ, પરિવારજનો અને મહિલા શક્તિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ જનજાગૃતિ અભિયાનને સમર્થન આપ્યું હતું.
માત્ર ઉજવણી નહીં, સશક્તિકરણનો માર્ગ
આયોજકોએ જણાવ્યું હતું કે, મહિલા દિવસ માત્ર એક દિવસની ઉજવણી પૂરતો સીમિત ન રહેવો જોઈએ. આવા કાર્યક્રમો દ્વારા યુવતીઓમાં આત્મવિશ્વાસ વધે, સાચું-ખોટું ઓળખવાની શક્તિ વિકસે અને તેઓ પોતાના જીવનના નિર્ણયો વધુ સમજદારીથી લઈ શકે તે જ આ પ્રયાસનો મૂળ મંત્ર છે. સમાજમાં સુરક્ષા, સન્માન અને સશક્તિકરણનો સંદેશ ફેલાવવા માટે આ એક સ્તુત્ય પગલું ગણાવ્યું હતું.
