યુવાનો અને નાગરિકોએ દેશ પ્રત્યે બલિદાન નહીં પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે: ડૉ. મનસુખ માંડવિયા
Live TV
-
કેન્દ્રીય મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નડિયાદની મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો
ખેડા જિલ્લાનાં નડિયાદમાં આવેલી મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેન્દ્રીય મંત્રી, શ્રમ રોજગાર અને યુવા બાબતો - રમત ગમત વિભાગનાં મનસુખભાઈ માંડવિયાનાં મુખ્ય અતિથિ વિશેષ પદે યોજાયો હતો.
આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, અહીંથી ડિગ્રી લીધા પછી નવો અભ્યાસક્રમ, ધંધો, વ્યવસાય તમે કરશો. તે પહેલા અહીં સુધી અભ્યાસ પૂર્ણ કરી પહોંચાડનાર તમારી યુનિવર્સિટી, પ્રોફેસરો, સ્ટાફ તરફ તમે એક કૃતજ્ઞતા અને આભારનો ભાવ વ્યક્ત કરો તેમ જણાવી નરેન્દ્ર ભાઈ મોદીના @2047ના વિઝનની વાત કરતા પાંચ પ્રણની જાણકારી આપી હતી. રાષ્ટ્ર માટે યુવાનો અને નાગરિકોએ રોડ મેપ બનાવવો જોઈએ જણાવી તેમની જવાબદારી વધી હોવાનું અને તેનાં થકી વિકસિત ભારત બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ જ નડિયાદની ભૂમિ પર સરદાર પટેલે જન્મ લીધો હતો, આજ ભૂમિ પર તમે અભ્યાસ કર્યો છે. અભ્યાસ પછીનું તમારું સ્વપ્ન સાકાર કરવું જોઈએ. કોઈપણ વ્યક્તિનું વ્યક્તિત્વ અને કર્તવ્ય એક થાય તે વ્યક્તિ મહાત્મા ગાંધી જેવો બને છે. તેમણે ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું મારું જીવન મારો સંદેશ છે. જો તમારે સફળ થવું છે તો કાર્યકર્તાનો ભાવ રાખો. મંગલ પાંડેથી શરૂઆત થયેલી આઝાદીની લડત વર્ષો સુધી ચાલી અને દેશ આઝાદ થયો છે. ત્યારે હાલમાં યુવાનો અને નાગરિકોએ દેશ પ્રત્યે બલિદાન નહીં પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે. કારણ રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યતાનું નિર્માણ, તે માટેની ભાવના- જવાબદારી એ આપણું કર્તવ્ય છે.
પદવીદાન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીના 29 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં બે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
આ સમારંભમાં સામાજિક ક્ષેત્રે જીવનભર સેવા કરનાર ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, વિશ્વભરમાં આર્યુવેદના પ્રચાર અને પ્રસાર કરનાર મી. માકૅ રોશેનબર્ગને (ડી.લીટ ) ની પદવી એનાયત કરાઈ હતી. ફેકલ્ટી ઓફ આયુર્વેદા, ફેકલ્ટી ઓફ નર્સિંગ, ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ મેનેજમેન્ટ, ફેકલ્ટી ઓફ પેરા મેડિકલ સાયન્સના કુલ 29 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં હતી.
આ પ્રસંગે ગુજરાત સરકારનાં પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ લહેરી, આરએસએસના વેસ્ટન રીઝીયન સંઘ સંચાલક ડો. જયંતભાઈ ભાડેશીયા, ડો. અનિલ કુમાર નાયક, નેશનલ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, યુનિવર્સિટીના પ્રમુખ ભાસ્કરભાઈ દેસાઈ, પ્રોવોસ્ટ પ્રો ડો. એસ એન ગુપ્તા સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.