રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથની આરતી કરી
Live TV
-
સુરતમાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ અમદાવાદમાં રથયાત્રાની પૂર્વસંધ્યાએ ભગવાન જગન્નાથની આરતીમાં લીધો ભાગ
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતના પ્રવાસે હતા. ત્યારે મુખ્યમંત્રીના હસ્તે સુરતમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સિટીના 115 માં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખજોદ ખાતે ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. આ સાથે ઉમરા-પાલ બ્રિજ તથા પાલિકાના સુએઝ પ્લાન્ટ સહિતના કામોનું લોકાર્પણ કર્યુ હતું.
સુરતથી અમદાવાદ પરત ફર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે 144 મી જગન્નાથ રથ યાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિત ભાવ પૂર્વક આરતી અને દર્શન અર્ચન કર્યા હતા. તેમણે મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રાની વિગતો મેળવી હતી.
ત્યારે આવતી કાલે સવારે મુખ્યમંત્રી વિજય રુપાણી પહિંદવીધી કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે, આ વખતની રથયાત્રા આપણા માટે થોડી અલગ છે. રાજ્ય સરકારે લોકોની આસ્થા શ્રદ્ઘા ધ્યાને રાખીને કોવિડ સંક્રમણ નિયંત્રણના પ્રોટોકોલ અને ગાઈડલાઈન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે. ત્યારે લોકો પણ સહયોગ આપે તે જરૂરી છે. નગરજનો ઘરે બેઠા દર્શન કરે તે સમયની માંગ છે. આ માટે રથયાત્રાના લાઈવ ટેલિકાસ્ટ ની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, તેનો સૌ લાભ લઈ ઘરે બેઠા જ યાત્રા નિહાળે અને ભગવાનના દર્શન કરે તેવી અપીલ તેમણે કરી હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કીરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ હિતેષ બારોટ, અમદાવાદના ધારાસભ્યો અને મહાપાલિકાના પદાધિકારીઓ પણ જોડાયા હતા.
