વરસાદની બીજી ઈનિંગમાં 156 તાલુકામાં મેઘમહેર; ધોરાજી તાલુકામાં નોંધાયો સૌથી વધુ વરસાદ
Live TV
-
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લાના 156 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સૌથી વધુ 85 મીલીમીટર એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ડાંગમાં 80 મીલીમીટર, વલસાડના ધરમપુરમાં 77 મીલીમીટર, નર્મદાના નાંદોદમાં 70 મીલીમીટર વરસાદ નોંધાયો હતો.
તો સુરતમાં 62, દાહોદમાં 58, ઉમરગામમાં 52, તિલકવાડામાં 47, માળિયામાં 46, સુરતના માંગરોડમાં 45 અને જૂનાગઢના માણાવદરમાં 41 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. જયારે સતત બીજા દિવસે પણ ગીર સોમનાથના સુત્રાપાડામાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં પાણી આવતા રસ્તાઓ બંધ થયા હતા.
વરસાદ થવાથી ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદથી મગફળી, સોયાબીન અને બાજરીના પાકોને જીવનદાન મળ્યું છે. બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે આહલાદક વાતાવરણ સર્જાવાને કારણે ખેતીને પણ જીવનદાન મળ્યું છે.
દિવસ ભરના ઉકળાટ બાદ ગાંધીનગરમાં પણ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગાંધીનગરના માણસા તાલુકાના બાલવા, ઉનાવા, વાસણીયા મહાદેવ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહિના પગલે NDRF ની ટીમોને તૈનાત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના દ્વાર સુરેન્દ્રનગર પંથકમાં પણ આજે બપોરથી ભારે વરસાદ શરુ થયો હતો, જેથી જિલ્લામાં વાવેતર પર થયેલુ જોખમ ટળ્યું છે.
