રાજકોટની 'બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ'નું ખગોળવિજ્ઞાન ક્ષેત્રે ગૌરવ: 23 વર્ષથી અવિરત સેવા
Live TV
-
સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ઓ. વી. શેઠ રાધેશ્યામ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યરત 'બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ' આજે ભારતની અગ્રણી ખગોળવિજ્ઞાન ક્લબોમાં સ્થાન ધરાવે છે.
વર્ષ 2003થી શરૂ થયેલી આ ક્લબ છેલ્લા 23 વર્ષથી ખગોળવિજ્ઞાનના પ્રસાર અને પ્રચાર માટે સતત કાર્યરત છે.ક્લબ પાસે 25 આધુનિક ટેલિસ્કોપ, વિવિધ પ્રકારના બાયનોક્યુલર અને 3 મીટર વ્યાસ ધરાવતી ડોમ આકારની વેધશાળા જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, અહીં ગુજરાતની સૌપ્રથમ 'ટેલિસ્કોપ લાઇબ્રેરી' પણ કાર્યરત છે. ક્લબના ટેલિસ્કોપ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 2.75 લાખથી વધુ લોકોએ આકાશદર્શનનો લહાવો લીધો છે.વિદેશોમાં લોકપ્રિય 'સ્ટાર પાર્ટી'ની પરંપરાને ભારતમાં સૌપ્રથમ વખત ગીરના જંગલોમાં શરૂ કરવાનો શ્રેય આ ક્લબને જાય છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 27 સફળ સ્ટાર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, રાજકોટની જનતા માટે દર મહિને અજવાળિયા આઠમના દિવસે 'રાજકોટ સ્કાય વોચ' કાર્યક્રમ નિઃશુલ્ક યોજાય છે. તાજેતરમાં 24 મેના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 2,500 જેટલા ઉત્સાહી લોકોએ જોડાઈને ગ્રહો અને તારાઓના નિરીક્ષણનો આનંદ માણ્યો હતો. વિજ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવાની આ ક્લબની કામગીરી ખરેખર પ્રશંસનીય છે.
