રાજકોટ - ભાવનગર હાઇવે પર બે કાર વચ્ચે ભયાવહ અકસ્માત, 4ના મોત-3 ઘાયલ
Live TV
-
રાજકોટ - ભાવનગર હાઇવે પર બે કાર વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ આગ લાગતા 4 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ છે, આજીડેમ પોલીસે FSLની મદદ લીધી છે..
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં અકસ્માતના બનાવમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર-ભુપગઢ ગામ પાસે અલ્ટો કારમાં સવાર આઠ કૌટુંબિક પૈકી માતા - પુત્રી સહિત ચાર જેટલા વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હોવાનું છતું થયું છે.
શું છે અકસ્માતની સંપૂર્ણ માહિતી ?
મળતી માહિતી મુજબ, અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં આવી રહી હતી, ત્યારે બંને કાર સામ સામે અથડાઈ જતા અલ્ટો કારમાં આગ લાગી હતી તેમજ જોત જોતામાં કારમાં સવાર 8 વ્યક્તિઓ પૈકી ચાર જેટલા વ્યક્તિઓ જીવતા બળીને ખાખ થઈ ગયા હતા. મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર 35 વર્ષીય નીરૂબેન મકવાણા તેમજ તેમની 3 વર્ષીય દીકરી હેતવી મકવાણા, 22 વર્ષીય હેમાંશી સરવૈયા અને 12 વર્ષીય મિતુલ સાકરીયા સહિતના વ્યક્તિઓના મૃત્યુ થયા છે. મૃત્યુ પામનાર તમામ ગોંડલના રહેવાસી છે.
ઇસ્ટ ઇન્ચાર્જ ACPએ શું કહ્યું ?
ઇસ્ટ ઇન્ચાર્જ ACP રાધિકા ભારાઈએ જણાવવામાં હતું કે, અકસ્માતનો બનાવ સરધાર નજીક આવેલા સિંગલ પટ્ટી રોડ પર અંદાજિત આજે 4 વાગ્યા આસપાસ શનિવારના રોજ બન્યો છે. પોલીસ દ્વારા હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ હોન્ડા સીટી કારમાં બનાવ સમયે કેટલા લોકો હાજર હતા તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. હોન્ડા સીટી કારના ચાલકને કોઈ ઈજા પહોંચી છે કે કેમ ? તે બાબતે પણ હાલ તપાસ ચાલુ છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના જુદા-જુદા વિભાગમાં સાહિલ સરવૈયા, હિરેન મકવાણા અને નીતાબેન સાકરીયાની સારવાર ચાલી રહી છે. બનાવ સંદર્ભે આજીડેમ પોલીસ દ્વારા FSLની મદદ પણ લેવામાં આવી છે. સમગ્ર ઘટનામાં એકતા સાકરીયા નામની વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. અલ્ટો કારમાં CNG કીટ ફીટ કરવામાં આવી હતી. મૃતકોના મૃતદેહ અંદાજિત 90% થી વધુ આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે.