રાજયમાં વર્ષ 2047માં દરેક નાગરિકની માથા દીઠ પાણીની ઉપલબ્ધતા 850 ક્યુબીક મીટરથી વધારી 1700 કયુબીક મીટર કરાશે: કુંવરજી બાવળીયા
Live TV
-
મધ્યપ્રદેશના ભોપાલમાં રાજ્યમંત્રીઓનું પ્રથમ અખિલ ભારતીય જળ સંમેલન યોજાયુ છે. જેમાં ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી તથા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે શ્રેષ્ઠ આયોજન કર્યુ છે. જેના પરિણામે વર્ષ 2047માં નાગરિકોની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 850 ક્યુબીક મીટરથી વધારીને 1700 ક્યુબીક મીટર કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મંત્રી કુંવરજી બાવળીયાએ આ નવતર અભિગમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, પાણીના વિષયને સંકલિત કરીને આ પ્રકારની અભૂતપૂર્વ કોન્ફરન્સનું આયોજન દેશમાં પહેલી વખત થયું છે. જળ સંસાધન, પીવાના પાણી, સિંચાઈ વ્યવસ્થા, શહેરી વિસ્તારમાં પાણીના ઉત્પાદન, ઉપલબ્ધિ અને તેનો યોગ્ય પ્રકારે ઉપયોગ વગેરે મુદ્દાઓને અત્યાર સુધી જુદા જુદા વિષયો તરીકે લેવાતું હતું. તેની જગ્યાએ પ્રથમ વખત એક મંચ પર સંકલિત થવાથી વર્ષ 2047 સુધી અમૃતકાળના કેન્દ્ર અને રાજ્ય સરકારના આયોજનો કરવામાં આ કોન્ફરન્સ ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, સર્ક્યુલર ઇકોનોમીના કન્સેપ્ટ સાથે જ્યારે ભારત વર્ષ 2047ના અંત સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે, ત્યારે દરેક નાગરિક માટે જળ સંશાધન સહિત તમામ પ્રકારના સ્વરૂપોમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ આજના સમયનો પડકાર છે અને સાથે સાથે એક તક પણ મળશે. ગુજરાત માટે વર્ષ 2047નું વિઝન રજુ કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાતનું વિઝન 4 મુખ્ય સ્તંભો ઉપર આયોજીત છે. જેના પહેલા સ્તંભમાં સંસાધનની ઉપલબ્ધતા, બીજા સ્તંભમાં માંગનું યોગ્ય નિયોજન, ત્રીજા સ્તંભમાં જરૂરિયાત મુજબ સપ્લાયનો યોગ્ય પ્રયોજન અને ચોથા સ્તંભમાં જળની સ્થિરતા લાંબા ગાળા માટે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ચાર સ્તંભો ગુજરાત કયા પ્રકારે સિદ્ધ કરશે તે માટે તેમણે ગુજરાત સરકારના હાલના અભિગમ અને આગામી વર્ષોમાં જે નવી યોજનાઓ રાજ્ય સરકાર કરવા માંગે છે તેની વિગતો પણ રજુ કરી હતી.
