રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, કમોસમી વરસાદને કારણે રવિપાકને લઈ ખેડૂતો ચિંતિત
Live TV
-
દ્વારકા, જામનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી કચ્છના અંજાર, ગાંધીધામ અને મુન્દ્રામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં કચ્છના અંજારમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. દ્વારકાના ખંભાળીયાના અનેક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે થયેલા ધોધમાર વરસાદને પગલે રસ્તા પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. જેને પગલે બજારો મોડા ખુલ્યા હતા. બીજી તરફ જામનગરમાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. જામનગરના ધ્રોલ તાલુકા અને શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.તો અંબાજીમાં પણ વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. એકા એક વરસાદ શરૂઆત થતા અંબાજી મંદિરનું ચાચર ચોક ભીંજાયું હતુ. ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા રવિપાકને લઈ ખેડૂતોની ચિંતા વધી હતી. ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર પાટણ અને બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં પણ પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે બનાસકાંઠાના થરાદ, સુઈગામ અને ભાભર વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે પાટણના સમી, હારીજ, રાધનપુર, સાંતલપુરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આ સરહદી વિસ્તારમાં જીરુંનું મોટાપાયે વાવેતર થયું છે ત્યારે કમોસમી વરસાદથી જીરું તેમજ દિવેલામાં નુકશાન થવાની ભીતિ છે. વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.