ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે તેમના કેબિનેટ મંત્રીઓ સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલ્લાનાં શ્રદ્ધા પૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત સૌએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં શનિવારે સવારે રામલલ્લાનાં ભક્તિભાવ પૂર્વક દર્શન-અર્ચન કરી શીશ ઝુકાવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને સૌભાગ્ય પૂર્ણ અને ભાવુક ગણાવતાં કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યા મંદિરમાં રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા દેશના આ અમૃતકાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બની છે તેનું શ્રેય પીએમ મોદીને જાય છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે અયોધ્યામાં ગુજરાત યાત્રી ભવન માટે આ વર્ષના બજેટમાં રૂ. 10 કરોડ ફાળવ્યા છે. કુલ રૂ. 50 કરોડનું આયોજન છે. ગુજરાતના પનોતા પુત્ર પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે અત્યંત ગૌરવશાળી અવસર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રામમંદિર સાચા અર્થમાં રાષ્ટ્રની ચેતના અને રાષ્ટ્રના નવજાગરણનું કેન્દ્ર બન્યું છે. રામમંદિરમાં દર્શન-પૂજન બાદ પોતાના પ્રતિભાવ પ્રચાર માધ્યમો સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે, પીએમ મોદીના યશસ્વી નેતૃત્વમાં પ્રાચીન પાવન નગરી અયોધ્યામાં ભગવાન રામની અલૌકીક પ્રાણ પ્રતિષ્ઠા એ દેશમાં નવા કાલચક્રના ઉદભવનો ઉદઘોષ છે.
મુખ્યમંત્રી સાથે મંત્રી મંડળે રામલલ્લાના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી સરયુ નદીતટે બનેલા ટેન્ટ સિટીની પણ મુલાકાત લેવાના છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને દંડક વિજય પટેલ સહિતના નેતાઓ તેમજ મંત્રીઓ મુખ્યમંત્રી સાથે જોડાયા છે. દર્શન કરી તમામ મંત્રીઓ સાંજે ગુજરાત પરત ફરશે.