અમદાવાદ: બહેરામપુરા ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોદી પરિવાર સભા યોજાઈ
Live TV
-
લોકસભાની ચૂંટણીને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતભરમાં પ્રચાર અભિયાન મોદી પરિવાર સભા દ્વારા કરવામાં આવી રહ્યું છે ગુજરાત ભરમાં 6,000થી પણ વધુ મોદી પરિવાર સભા કરીને ગુજરાતની 26 બેઠક જીતવાનો સંકલ્પ કર્યો છે ત્યારે અમદાવાદમાં બહેરામપુરા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં જમાલપુર, દાણીલીમડા અને બહેરામપુરાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં એક જ ગેરંટી ચાલે છે એ છે મોદીની ગેરંટી: CM
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, દેશમાં એક જ ગેરંટી ચાલે છે અને તે છે મોદીની ગેરંટી. આ વિશ્વાસ પીએમ મોદી પ્રત્યે લોકોએ મૂક્યો છે. જેને મત પેટીમાં બદલીને દેશમાં 400 સીટો સાથે ફરીથી નરેન્દ્ર મોદી ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બનશે . આ ઉપરાંત તેમણે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની મોદી પરિવાર સભામાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં છેલ્લા દસ વર્ષમાં થયેલ પરિવર્તનની રૂપરેખા આપી તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં વિકાસના કમળને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ દરેક વર્ગના વિકાસની વાત હોય કે દેશને વિશ્વના નક્શા ઉપર ગર્વ અપાવવાની, PM નરેન્દ્ર મોદીએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી ભારતની ભવ્યતાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. દેશમાં આ વખતની ચૂંટણી પરફોર્મન્સ આધારિત ચૂંટણી છે. મને વિશ્વાસ છે કે ગુજરાતના નાગરિકો તમામ 26 બેઠકો પર ભાજપને પ્રચંડ વિજય અપાવી, દેશના પ્રધાનમંત્રી મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી પદે બિરાજમાન કરાવવા બહુમૂલ્ય યોગદાન આપશે. કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા,એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા