રાજ્યના 136 બસ સ્ટેન્ડ પર ગ્રામ હાટ શરૂ, સખી મંડળોનાં ઉત્પાદનોને મળશે વ્યાપક બજાર
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી રાજ્યના 27 જિલ્લાનાં 136 બસ સ્ટેન્ડ પર સખી મંડળો દ્વારા સંચાલિત ગ્રામ હાટનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે વિવિધ પહેલો અને ત્રિદિવસીય સરસ મેળાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓને વિકાસયાત્રામાં માત્ર લાભાર્થી નહીં, પરંતુ વિકાસનાં ભાગીદાર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગ્રામ હાટના માધ્યમથી સખી મંડળો દ્વારા ઉત્પાદિત હસ્તકલાની વસ્તુઓ અને ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓને વિશાળ બજાર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની છે. ઉપરાંત, રાજ્યનાં 18 હજાર ગામોમાં મહિલા સંચાલિત અમૂલ મિલ્ક પાર્લર શરૂ કરવાની દિશામાં પણ પહેલ કરવામાં આવી છે.કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ત્રણ લાખથી વધુ સખી મંડળો મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. ગ્રામ વિકાસમંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલા 236 સરસ મેળામાં 8,500 સ્વસહાય જૂથોએ અંદાજે રૂ. 40 કરોડનું વેચાણ કર્યું છે.આ પ્રસંગે સ્વસહાય જૂથોની બહેનોને અમૂલ પાર્લર ફાળવણીપત્રો અને કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રાજકોટ જિલ્લાના વિચરતી-વિમુક્ત જાતિના 139 પરિવારોને રહેણાક માટે વિનામૂલ્યે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
