સુરતમાં ઈ-રક્ષક હેકેથોનનું ગ્રાન્ડ ફિનાલે, સાયબર સુરક્ષા માટે વિદ્યાર્થીઓએ રજૂ કર્યાં નવીન સોલ્યુશન
Live TV
-
સુરત શહેર પોલીસ અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)ના નેક્સસ યુનિટ દ્વારા આયોજિત ઈ-રક્ષક હેકેથોનના ગ્રાન્ડ ફિનાલેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
હેકેથોનમાં છ રાજ્યોની 13થી વધુ યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન કોલેજોની 31 ટીમોના 150થી વધુ વિદ્યાર્થીઓએ સાયબર સુરક્ષા અને ડિજિટલ પડકારોના ઉકેલ માટે તૈયાર કરેલાં પ્રોટોટાઇપ રજૂ કર્યાં હતાં.હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ સીસીટીવી કેમેરાને એક જ ડેશબોર્ડ સાથે જોડવાનું સરકારનું સ્વપ્ન છે. સાયબર સુરક્ષા અને પોલીસિંગને વધુ અસરકારક બનાવવા હાર્ડવેરને બદલે સોફ્ટવેર આધારિત ટકાઉ ઉકેલો વિકસાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. યુવાનોના ટેકનોલોજી આધારિત સંશોધનનો ઉપયોગ ભવિષ્યમાં એફઆઈઆર અને સાયબર ગુનાઓના ઉકેલની પ્રક્રિયામાં કરવામાં આવશે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર જોખમમાં ભાગીદાર બનવા પણ તૈયાર છે.પોલીસ કમિશનર વાબાંગ જમીરે જણાવ્યું હતું કે, હેકેથોનનો મુખ્ય હેતુ ડિજિટલ સુરક્ષા વધારવા અને સાયબર ગુનાઓ અટકાવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી નવીન ટેકનોલોજીકલ ઉકેલો મેળવવાનો છે. ડીસીપી વિશાખા જૈને જણાવ્યું હતું કે, હેકેથોન માટે દેશભરમાંથી 458 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 31 ટીમોના 150 વિદ્યાર્થીઓ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લઈ રહ્યા છે.કાર્યક્રમમાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ, SVNITના ડિરેક્ટર પ્રો. અનુપમ શુક્લા તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
