રાજ્યના 61.50 લાખથી વધુ વિધાર્થીઓએ, પ્રધાનમંત્રી સંવાદનું પ્રસારણ નિહાળ્યું
Live TV
-
પરીક્ષા પે ચર્ચા’ની 8મી કડી અંતર્ગત રાજ્યની 40 હજારથી વધારે શાળાના 61.50 લાખથી વધુ વિધાર્થીઓએ, પ્રધાનમંત્રી સંવાદનું પ્રસારણ નિહાળ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા પે ચર્ચા-2025 અંતર્ગત અમદાવાદની ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અર્થસભર સંવાદ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાની આઠમી કડી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કરેલા રાષ્ટ્ર વ્યાપી સંવાદનું પ્રસારણ અમદાવાદની શાળાઓમાં
પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે અર્થસભર સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિ રહ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે દરેક વિધાર્થીએ પોતાના જીવનકાળમાં એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા લિખિત એકઝામ વોરિયર પુસ્તક એકવાર અવશ્ય વાંચવું જોઈએ. આ પુસ્તકમાં બોર્ડની એક્ઝામને લઈને વિદ્યાર્થીઓનાં મનમાં ઊભા થતા દરેક સવાલોના જવાબ મળશે.આ પુસ્તક વાંચીને સૌ વિદ્યાર્થીઓએ હળવા પણ થવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે પરીક્ષા પે ચર્ચાની આ આઠમી શ્રેણી છે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આજે દેશ અને દુનિયામાં જાણીતો બન્યો છે. લાખો વિદ્યાર્થીઓ, શિક્ષકો અનેવાલીઓ આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે, જે આ કાર્યક્રમની સફળતા સાબિત કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક એવું વ્યક્તિત્વ છે, જે દરેક જનમાનસ સાથે સંકળાયેલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની દરેક બાબતો અને વિષય પર ખૂબ ઝીણવટપૂર્વક કામ કરી રહ્યા છે, જેના કારણે ભારતને દેશ અને દુનિયામાં ગૌરવ મળ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ અવસરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે 21મી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. 21મી સદીમાં દરેક વિદ્યાર્થીઓને શિક્ષણની ખૂબ આવશ્યકતા છે, શિક્ષણ વગર ચાલે એમ નથી એટલે માર્ક્સ ભલે વત્તા-ઓછા આવે પણ શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે. મુખ્યમંત્રીએ કે દરેક વિદ્યાર્થીએ પોતાના સમગ્ર દિવસનું ટાઇમ શેડ્યૂલ બનાવવું જોઈએ. રમત-ગમત માટે કેટલો સમય આપવો? ટીવી માટે કેટલો સમય? તેમજ ભણવા માટે કેટલો સમય આપવો? તેનું યોગ્ય આયોજન કરવું જોઈએ. જે દરેક વિદ્યાર્થીઓને પોતાના જીવનકાળમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.
વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની ચિંતા અને તણાવના વાતાવરણને અત્યંત હળવું બનાવવા શિખ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, કોઈપણ વિદ્યાર્થીઓએ તણાવમાં ન આવવું જોઈએ. પોતાની મહેનત પર ધ્યાન આપવું જોઈએ. વિદ્યાર્થીઓએ સવારે વહેલા ઊઠીને વાંચવાની પ્રેક્ટિસ પાડવી જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે, તેમાં યુવા પેઢીનો મહત્વનો ફાળો રહેવાનો છે તેની ભૂમિકા આપતા તેમણે વિદ્યાર્થીઓ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે સહભાગી થાય એવી અપીલ પણ કરી હતી.
