રાજ્યની 1153 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 70% મતદાન
Live TV
-
રાજ્યમાં 1153 ગ્રામ પંચાયત માટે યોજાઇ ચૂંટણી, સરેરાશ 70 ટકા જેટલું મતદાન
રાજ્યની 1153 ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 70 ટકા ઉપરાંત મતદાન થયું છે. રાજ્યમાં પહેલી ફેબ્રુઆરી 2018થી 30મી એપ્રિલ સુધીમાં જેની મુદત પૂરી થતી હોય, તેવી 32 જીલ્લાની 1,423 પૈકી 1,153 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે, મતદાન શાંતિપૂર્વક સંપન્ન થયું હતું. જેમાં મુખ્યત્વે જામનગરની 225, ભાવનગરની 128, આણંદની 125 તથા વડોદરાની 190 ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થાય છે.
અરવલ્લી જિલ્લાની 62 ગ્રામ પંચાયતોમાં કુલ 225 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 73.28 ટકા મતદાન થયું હતું. સરપંચના 308 ઉમદવારો અને સભ્યપદ માટે 703 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. સૌથી વધુ મોડાસા તાલુકામાં 21 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ. અરવલ્લી જિલ્લામાં 4 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે.
બોટાદ જિલ્લાની 35 ગ્રામ પંચાયતોમાંથી 9 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં 26 ગામોમાં મતદાન યોજાયું. વહેલી સવારથી યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોમાં મતદાન માટે સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો. બોટાદના હડહંદ ગામમાં એક યુવાને પોતાના લગ્ન પહેલાં મતદાન કરીને લોકશાહીનું પર્વ ઊજવ્યું હતું.
વલસાડ જિલ્લાની વાત કરીએ તો અહીં કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકાની 13 જેટલી ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું. વલસાડમાં રસાકસીભર્યો ચૂંટણી જંગ છેડાયો છે.
નર્મદા જિલ્લાની 8 ગ્રામ પંચાયતો માટે 43 સરપંચો અને 251 સભ્યો માટે સવારે 8 વાગ્યાથી શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું હતું. નર્મદાના ડેડિયાપાડામાં માલસામોટ, મોરજડી, આંબાવાડી, ગઢ, ડુમખલ અને બલ ગ્રામ પંચાયતો માટે જ્યારે નાંદોદમાં વાઘેથા ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજવામાં આવી છે. મતદારોએ લાંબી કતારોમાં ઊભા રહી મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો.
જામનગર જિલ્લાની 225 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થઈ હતી. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન 50 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી, તેથી 154 ગ્રામ પંચાયતોની સંપૂર્ણ અને 21 ગ્રામ પંચાયતોની અંશતઃ ચૂંટણી યોજાઈ હતી. સવારથી જ ગ્રામ્ય મતદારોની લાંબી કતારો મતદાન માટે જોવા મળી હતી. જિલ્લાના 2 લાખ 58 હજાર મતદારો 457 સરપંચ અને 2800 ઉપરાંત સભ્યોના ભાવિનો ફેંસલો કરશે. જિલ્લામાં એકાદ જગ્યાએ ઈવીએમ બંધ પડી જવાની ઘટનાને બાદ કરતાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
સાબરકાંઠા જિલ્લાની 71 ગ્રામ પંચાયતોમાંથી 5 સમરસ જાહેર થતાં 66 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું. સરપંચની બેઠક માટે 282 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 628 વોર્ડના સભ્યોની બેઠક માટે 868 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. ગામલોકોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વડોદરા જિલ્લામાં વડોદરા તાલુકાના લગભગ 20 થી વધુ ગામોમાં મતદાન થવા પામ્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષાપક્ષી હોતી નથી, પરંતુ વ્યક્તિગત જંગ હોય છે અને તેથી ભારે રોમાંચ હોય છે. લોકોમાં આ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ હતો. ઉન્ડેરા ગામમાં એક યુવતીના લગ્ન હોવા છતાં, તેણે મતદાનને પ્રાથમિકતા આપીને નવવધૂના શણગાર સજીને તે મતદાન કરવા આવી હતી અને ત્યારબાદ લગ્ન મંડપે પહોંચી હતી.
છોટા ઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં 44 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. બોડેલી તાલુકામાં 12 ગ્રામ પંચાયત, સંખેડામાં 7, પાવી જેતપુરમાં 10, નસવાડીમાં 1, કવાંટમાં 13 ગ્રામ પંચાયત અને છોટા ઉદેપુરમાં 1 ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી. બીમાર લોકો, વૃદ્ધો અને મહિલાઓ મતદાન કરવા બહાર આવ્યા હતા. એક દિવ્યાંગ મતદારે પણ મતદાન કુટિર જઈને લોકશાહીના પર્વને ઊજવ્યું હતું.
આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લામાં કુલ 14 માંથી 1 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં 13 ગ્રામ પંચાયતોમાં મતદાન થયું હતું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 4 ગ્રામ પંચાયતમાં, કુકરમુંડા તાલુકાની 8 ગ્રામ પંચાયતમાં, જ્યારે નિઝર તાલુકાની 1 ગ્રામ પંચાયતમાં મતદાન થયું હતું. કુલ 13 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ પદના 41 ઉમેદવારો અને સભ્યપદ માટે 247 ઉમેદવારો મેદાનમાં છે.
સાબરકાંઠા જિલ્લાની કુલ 71 ગ્રામ પંચાયતોમાંથી 5 સમરસ જાહેર થતાં 66 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. અહીં સરપંચ પદ માટે 282 ઉમેદવારો મેદાને છે, જ્યારે 628 વોર્ડના સભ્યોની બેઠક માટે 868 ઉમેદવારો મેદાને છે. ગામની સરકાર બનાવવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
નવસારી જિલ્લાના 33 ગામોના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાનોથી માંડીને વૃદ્ધો અને દિવ્યાંગજનોએ પણ મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. અમલસાડ ગામની સ્તુતિ પટેલે લગ્ન પહેલાં પીઠી લગાવીને મતદાન કર્યું હતું.
વાત કરીએ કચ્છની. કચ્છમાં 67 ગ્રામ પંચાયતની જાહેર થયેલી સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન 19 સરપંચ અને 263 સભ્યો બિનહરીફ જાહેર થતાં, કચ્છની 48 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. સરપંચ પદના 113 ઉમેદવારો અને સભ્યપદના 580 ઉમેદવારોનું ભાવિ મતદારોએ નક્કી કર્યું હતું. મતદારોએ જણાવ્યું હતું કે ગામનો વિકાસ કરે તેવા સરપંચ અને સભ્યને તેમણે મત આપ્યો છે.
ભરૂચ જિલ્લાની 19માંથી 7 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતાં 12 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. 250 થી પણ વધુ સરપંચ અને વોર્ડ સભ્ય માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મતદારોએ હર્ષોલ્લાસથી પોતાના પસંદગીના ઉમેદવારો માટે મતદાન કર્યું હતું.
દેવભૂમિ દ્વારકાની. અહીં દ્વારકાના 13, ભાણવડના 11, કલ્યાણપુરના 21 અને ખંભાળિયાના 3 ગામોમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. કુલ 62,408 મતદારોએ પવિત્ર મતદાનની ફરજ અદા કરી હતી.