રાજ્યપાલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 64 વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કર્યાં
Live TV
-
ગુજરાતના રાજયપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને, આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 628વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલના હસ્તે 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ/ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એક રોકડ પુરસ્કાર એનાયત ક૨વામાં આવ્યા હતા.કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.
કૃષિ યુનિવર્સિટીના છાત્રો સાથે કૃષિની સાંપ્રત સ્થિતિ અને પડકારો અંગે રાજ્યપાલે સંવાદ સાધતા કહ્યું હતું કે, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના અતિરેકથી ખેતીની જમીન બિનઉપજાઉ બની ગઈ છે તેમજ આ તમામ સમસ્યાનું નિદાન પ્રાકૃતિક ખેતીમાં છે. કૃષિ ક્ષેત્રે થયેલા સંશોધનો તથા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિપોર્ટસના ઉલ્લેખ તેમજ અનુભવજન્ય પુરાવાઓ સાથે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવીને તેના માટે કામ કરવા અને અપનાવવા કૃષિ યુનિવર્સિટીના છાત્રોને આહ્વાન કર્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, રાસાયણિક તથા જૈવિક ખેતી માટે બહારથી વસ્તુઓ ખરીદવી પડે છે, પરંતુ પ્રાકૃતિક ખેતી માટે કોઈ વસ્તુ બહારથી ખરીદવી પડતી નથી. પ્રાકૃતિક ખેતીમાં પાણી પણ ઓછું વપરાય છે તેમજ જમીનનું ઓર્ગેનિક કાર્બન સતત વધે છે અને તેના કારણે દર વર્ષે ઉત્પાદન વધે છે.
આ સમારંભમાં બી.એસસી. (ઓનર્સ) એગ્રી.ના 289બી.એસસી. (ઓનર્સ) હોર્ટીકલ્ચરના 75બી.ટેક. (એગ્રી.એન્જિનિયરિંગ)ના 98એમ.એરાસી. (એગ્રી.)ના 65એમ.એસસી. (હોર્ટી.)ના 16, એમ.ટેક. (એગ્રી.એન્જી.)ના 09, એમ.વી.એસસી ના 01, એમ.બી.એ. (એગ્રી.બીઝનેસ મેનેજમેન્ટ)ના 27અને પીએચ.ડી ના 48 મળીને કુલ-628 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી. જ્યારે વિવિધ ફેકલ્ટીઓમાં કુલ-64 ગોલ્ડ મેડલ/ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને 01 (એક) કેશ પ્રાઈઝ એનાયત ક૨વામાં આવ્યા હતા.