જૂનાગઢના બીલખામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિકસિત ભારત સંકલ્પયાત્રામાં આપી હાજરી
Live TV
-
જૂનાગઢ જિલ્લાના બીલખામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિકસિત ભારત સંકલ્પયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે સંકલ્પયાત્રામાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં દેશના દરેક ક્ષેત્રના નાગરિકની રાષ્ટ્રની ઉન્નતિ માટેની કર્તવ્યભાવના અને રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણભાવ રહેલો છે. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનકલ્યાણના આ અભિયાનમાં દેશના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય-સરકારની યોજના એકેએક નાગરિક સુધી પહોંચે અને પાત્રતા ધરાવતા દરેક નાગરિકો સરકારી યોજનાનો લાભ લઈને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે સંકલ્પને સાકાર કરવા આ વિકસિત ભારત સંકલ્પયાત્રા આપના ગામમાં આવી છે અને આ રીતે દેશના ખૂણે-ખૂણે આ યાત્રા જનકલ્યાણના ઉદ્દેશ સાથે ફરી રહી છે તેમ જણાવ્યું હતું.
રાજ્યપાલે પોતાના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીના સ્વ અનુભવો અને લાભો વિશે જણાવતાં કહ્યું કે, વર્ષો પહેલા અન્ય ખેડૂતોની જેમ રાસાયણિક ખેતી કરી રહ્યો હતો. જેથી જમીનનો ઑર્ગેનિક કાર્બન 0.5 ટકા જેટલો થઈ ગયો હતો. આજે પ્રાકૃતિક ખેતીના પરિણામે ઑર્ગેનિક કાર્બન 1.7ટકા જેટલો થયો છે. જેથી હવે રાસાયણિક ખેતી કરતા ખેડૂતો કરતાં પણ વધુ ખેત પેદાશ લઈ રહ્યા છીએ. તેઓએ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કરતાં કહ્યું કે, ઝેરમુક્ત ખેતી કરી લોકોને આરોગ્ય બક્ષવાનું પણ ખૂબ મોટું કાર્ય થશે.
કાર્યક્રમ દરમિયાન વિકસિત ભારત સંકલ્પયાત્રા સંદર્ભે પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલનું ગામની બાળાઓએ સ્વાગત કર્યું હતું. જુનાગઢ જિલ્લાના અગ્રણી અને બીલખાના પૂર્વ ધારાસભ્ય અને સેવાભાવી રત્નાબાપા ઠુંમરને રાજ્યપાલે મળીને શુભકામના પાઠવી હતી.