રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બોરસદના ઝારોલા ગામની 'ગોકુલ વાડી'ની મુલાકાત લીધી
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બોરસદના ઝારોલા ગામની 'ગોકુલ વાડી'ની મુલાકાત લીધી
આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બોરસદ તાલુકાના ઝારોલા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ જશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મ 'ગોકુલ વાડી'ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જાતે ગાય દોહી હતી, ખેતરમાં હળ ચલાવ્યું હતું અને ફાર્મ પર વૃક્ષારોપણ કરી પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપ્યો હતો.
પ્રાકૃતિક ફાર્મ અને પાકોનું નિરીક્ષણ
રાજ્યપાલે ફાર્મમાં ઉગાડવામાં આવેલા વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને પાકોની ઉત્તમ ગુણવત્તા જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ તકે તેમણે ઉપસ્થિત ખેડૂતોને 'જીવામૃત' અને 'ઘન જીવામૃત' બનાવવાની શાસ્ત્રોક્ત પ્રક્રિયા તેમજ તેના અસંખ્ય લાભો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ
ખેડૂતો સાથે સંવાદ કરતાં રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રકૃતિ અને ભગવાને જમીનની ફળદ્રુપતા માટે સ્વયં શ્રેષ્ઠ વ્યવસ્થા બનાવી છે. જંગલોમાં કોઈ રાસાયણિક ખાતરો નાખવા પડતા નથી, છતાં ત્યાં વનસ્પતિ અને વૃક્ષો પૂર્ણપણે ખીલે છે.તેમણે ઉમેર્યું હતું કે રાસાયણિક ખાતરો અને કીટનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નાષ્ટ પામ્યા છે, જેના કારણે જમીન કઠણ બની ગઈ છે. પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ બને છે અને 'નેચરલ વોટર હાર્વેસ્ટિંગ' થવાથી વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરે છે. જો રાસાયણિક ખેતી ચાલુ રહેશે તો આવનારી પેઢીઓ માટે ફળદ્રુપ જમીન કે પીવાનું શુદ્ધ પાણી પણ બચશે નહીં.
ઉત્પાદનમાં વધારો અને શૂન્ય ખર્ચ
પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતાં રાજ્યપાલે કહ્યું હતું કે, આ પદ્ધતિમાં ઉત્પાદન ઘટવાને બદલે વધે છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન વધવાથી પાકનું ઉત્પાદન આપોઆપ વધે છે અને ખેતીનો ખર્ચ શૂન્ય થઈ જાય છે. ગાય આધારિત આ ખેતીમાં ગૌમાતા દૂધની સાથે ખેતર માટે અમૂલ્ય ખાતર પણ પૂરું પાડે છે. તેમણે પોતાના અનુભવો વહેંચતા જણાવ્યું હતું કે તેમણે સ્વયં રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જેનાથી તેમની જમીન પુનઃ સમૃદ્ધ બની છે.
