રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા માટેનો અનુરોધ કર્યો
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સૌને અપીલ કરતાં કહ્યું હતું કે, યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પણ સંપુષ્ટ કરે છે. દરેકે દરરોજ યોગાસન અને પ્રાણાયામ કરવા જ જોઈએ.
રાજ્યપાલે કહ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને 21 મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ કરી અને દુનિયાને પ્રેરિત કરી. પરિણામ એ આવ્યું કે 177 દેશોએ સર્વસંમતિથી આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને આજે ભારતના ઋષિમુનિઓની આ પ્રાચીન યોગવિદ્યા સમગ્ર વિશ્વમાં જન-જનનું કલ્યાણ કરી રહી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, યોગ આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રદાન કરે છે. ચિત્તની વૃત્તિઓના નિરોધનું નામ જ યોગ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શોધ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન યોગના મૂળ સિદ્ધાંત છે અને જીવનમાં પૂર્ણ શાંતિ પ્રદાન કરનાર મૂળ આધાર છે. ઋષિમુનિઓએ દાવા સાથે કહ્યું છે કે, યોગના આઠ અંગ; યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને વ્યવહારિકરૂપે જીવનમાં ઉતારીશું તો પૂર્ણતાને પામી શકીશું. પરમ શાંતિની અનુભૂતિ કરી શકીશું.
