Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે પ્રિન્સ રહીમ આગા ખાન V (પાંચ)ની લોકભવન ખાતે સૌજન્ય મુલાકાત

Live TV

X
  • ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના અધ્યક્ષ પ્રિન્સ રહીમ આગા ખાન V (પાંચ) એ આજે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, જળ વ્યવસ્થાપન, વૃક્ષારોપણ, સંસ્કાર નિર્માણ અને નશા મુક્તિ જેવા માનવ કલ્યાણના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના સતત વપરાશથી જમીનમાં એક ફૂટ નીચે પથ્થર જેવું સખત સ્તર બની ગયું છે, જેના કારણે વરસાદી પાણી જમીનમાં ઊતરવાને બદલે વહી જાય છે. આ વૈશ્વિક સમસ્યાનો ઉકેલ પ્રાકૃતિક ખેતીમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્રીય સ્તરે પ્રાકૃતિક ખેતી મિશનને પ્રોત્સાહન આપી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીથી અળસિયા જમીનમાં ૧૦ ફૂટ સુધી ઊંડા છિદ્રો બનાવી જમીનને કુદરતી રીતે ફળદ્રુપ કરે છે અને જળ સંચયની પ્રક્રિયાને વેગ આપે છે.

    ગ્રામીણ કલ્યાણ કાર્યક્રમોનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે તેઓ દર અઠવાડિયે ગામડાઓની મુલાકાત લઈને વૃક્ષારોપણ, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, પ્રાકૃતિક કૃષિ, જળ બચાવ, ગૌ સંવર્ધન જેવા વિષયો અંગે સ્થાનિક લોકોને પ્રેરિત કરે છે. દરેક પરિવાર એક છોડ ઉછેરે તેમજ જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ વૃક્ષારોપણ કરે તે માટે તેઓ આહ્વાન કરે છે. વધુમાં, ગ્રામીણ ક્ષેત્રોમાં વધી રહેલા નશાની કુટેવથી યુવા પેઢીને બચાવવા નશા મુક્તિ અંગે પણ માર્ગદર્શન આપે છે.

    રાજ્યપાલએ કહ્યું કે, આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામની ટીમ સાથે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અંગે વધુ સંકલિત રીતે કાર્ય કરવામાં આવશે તો પ્રાકૃતિક કૃષિ મિશન વધુ વેગવંતુ બનશે.

    બેઠક દરમિયાન પ્રિન્સ રહીમ આગા ખાન V (પાંચ) અને તેમની ટીમે ગુજરાતમાં જળ સંચય, ભાગીદારી સિંચાઈ વ્યવસ્થાપન અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક દ્વારા કરાતી કામગીરીની માહિતી આપી હતી. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક ૧૯૦૫થી ગુજરાતના કચ્છ-મુન્દ્રાથી શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કાર્યરત છે.

    આ તકે પ્રિન્સ રહીમ આગા ખાન V (પાંચ) એ રાજ્યપાલના પ્રાકૃતિક ખેતી અને ગ્રામ વિકાસ માટેના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, સમાન પ્રાથમિકતાઓ અને સમાન વિચારધારા ધરાવતા ભાગીદારો સાથે મળીને કાર્ય કરવાથી વધુ લોકો સુધી પહોંચીને વધુ અસરકારક પરિણામો પ્રાપ્ત કરી શકાય છે.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પ્રિન્સ રહીમ આગા ખાન V (પાંચ) એ પ્રાકૃતિક ખેતી, જળસુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામ્ય આજીવિકા, શિક્ષણ-કૌશલ્ય અને યુવા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં પરસ્પર અનુભવ અને નિષ્ણાતોનો લાભ લઈને ગુજરાતમાં વધુ વ્યાપક અને સંકલિત રીતે કાર્ય આગળ વધારવા માટે સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
apply