ગાંધીનગરમાં છવાયો વિકાસનો ઉત્સવ : રૂ. 1,848 કરોડના વિકાસકાર્યોની ભેટ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરને એક જ દિવસમાં રૂ. 1,848 કરોડના જનહિતલક્ષી વિકાસકાર્યોની ભેટ આપી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકાર્યોમાં ગાંધીનગર મહાનગરપાલિકાના રૂ. 798 કરોડ અને માર્ગ-મકાન વિભાગના રૂ. 1,050 કરોડ મળી કુલ રૂ. 1,848 કરોડના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સરકારની દરેક યોજના અને વિકાસકાર્યના કેન્દ્રમાં સામાન્ય માણસ, ગરીબ અને છેવાડાનો નાગરિક છે. ‘સેચ્યુરેશન’ના અભિગમ સાથે પાત્ર લાભાર્થીને સરકારી યોજનાઓનો 100 ટકા લાભ મળે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આયુષ્માન યોજના, આવાસ યોજના, ઉજ્જવલા યોજના અને નળ દ્વારા પાણી જેવી વિવિધ યોજનાઓનો લાભ પાત્ર નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. સરકાર નાગરિકો યોજનાઓનો લાભ લેવા આવે તેની રાહ જોવાને બદલે પાત્ર લાભાર્થી સુધી યોજનાનો લાભ પહોંચાડવા સક્રિય રીતે કામગીરી કરી રહી છે. ગાંધીનગરના વિકાસ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અગાઉ શહેરમાં વિકાસકાર્યોની પ્રક્રિયા ધીમી હતી, પરંતુ આજે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યો ઝડપથી સાકાર થઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વિકાસના કોઈપણ કામને નાણાના અભાવે અટકવા દેવામાં નહીં આવે.
આ જાહેરાતોમાં ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર વધતા ટ્રાફિકને પહોંચી વળવા ભાટ-કોટેશ્વર ક્રોસિંગ ખાતે અંડરપાસ માટે રૂ. 20.76 કરોડ, રક્ષાશક્તિ સર્કલથી GIFT City-શાહપુર તરફના સાબરમતી નદી પરના બ્રિજના મજબૂતીકરણ માટે રૂ. 12.80 કરોડ, GIFT Cityથી PDPU તરફના જંકશન અને રોડ ડેવલપમેન્ટ માટે રૂ. 7.70 કરોડ તથા રક્ષાશક્તિ સર્કલથી GIFT City સર્કલ સુધી રોડ સેફ્ટી અને પેવર કામો માટે રૂ. 7 કરોડનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ GIFT Cityનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, એક સમયે GIFT Cityના વિચાર અંગે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવતું હતું, પરંતુ આજે તે વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર અનેક વર્લ્ડ ક્લાસ ઈવેન્ટનું યજમાન બની રહ્યું છે.
પર્યાવરણ અને જળસંચય અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકાસની સાથે પર્યાવરણ સંરક્ષણને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. વૃક્ષારોપણ, તળાવોના ઇન્ટરલિંકિંગ, તળાવોમાં પાણી ભરવા અને રિચાર્જ બોર સહિતના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથે જ ગામડાં સુધી લાઇબ્રેરીની સુવિધા પહોંચાડવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગાંધીનગર એક સમયે માત્ર સચિવાલયના શહેર તરીકે ઓળખાતું હતું, પરંતુ આજે આધુનિક સુવિધાઓ, શિક્ષણ, ઉદ્યોગ, વેપાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું શહેર બન્યું છે. GIFT City, મહાત્મા મંદિર, યુનિવર્સિટીઓ અને હેલીપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ જેવા પ્રકલ્પોથી ગાંધીનગરની ઓળખ વધુ મજબૂત બની છે.
નાયબ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભ્રષ્ટાચાર વિરોધી અભિગમની પ્રશંસા કરતાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ઓછું બોલે છે પરંતુ સીધું કામ કરવામાં માને છે. તેમણે ગાંધીનગરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલા વિકાસને ઐતિહાસિક ગણાવ્યો હતો. જાહેર પરિવહન વ્યવસ્થાના વિકાસ અંગે તેમણે જણાવ્યું કે, ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઈ-બસો સેવામાં મૂકવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 30 જેટલી નવી ઈ-બસોને લીલી ઝંડી આપી અને તેમાં મુસાફરી કરીને નાગરિકોને જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે જણાવ્યું કે, ગાંધીનગરને વહીવટી કેન્દ્રથી આગળ વધારી વર્લ્ડ ક્લાસ સ્માર્ટ અને ગ્રીન સિટી બનાવવાનું વિઝન સાકાર થઈ રહ્યું છે. જૂના સેક્ટરોથી નવા સામેલ ગામો સુધી સમાન વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત એરપોર્ટ રોડથી રાયસણને જોડતો 80 મીટરનો માર્ગ, રક્ષાશક્તિથી સરગાસણનો સર્વિસ રોડ, ખોરજ, પેથાપુર, રાંધેજા, કોલવડા, વાવોલ, વાસણા હડમતીયા અને આદિવાડામાં નવા સીસી રોડ, રાંધેજામાં ઓવરહેડ ટાંકી અને સેક્ટર-1થી 30 તથા આસપાસના ગામોમાં નવી ડ્રેનેજ લાઈનો જેવા કામોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સરગાસણમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, થીમ આધારિત સ્માર્ટ આંગણવાડીઓ, ઝુંડાલ, અમીયાપુર અને સેક્ટર-20માં આધુનિક બગીચાઓ, રાયસણના સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્રનું નવીનીકરણ અને રાયસણ ચોકના વિકાસ જેવા કામો પણ હાથ ધરવામાં આવશે. ગાંધીનગર ઉત્તરનાં ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું કે, ગાંધીનગર આજે શિક્ષણ, આરોગ્ય અને આધુનિક શહેરી સુવિધાઓ માટે આગવી ઓળખ ધરાવે છે. તેમણે જણાવ્યું કે, ગાંધીનગરમાં 125 જેટલા આધુનિક બગીચાઓ વિકસાવવામાં આવ્યા છે અને ગ્રીન ગાંધીનગરના સંકલ્પને સાકાર કરવા આશરે 18 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરના નાગરિકોને પોતાના વિસ્તારની જરૂરિયાતો અને બાકી રહેલા વિકાસકાર્યો મહાનગરપાલિકા સુધી પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ની વિકાસયાત્રામાં ગાંધીનગર પણ અગ્રેસર બને તે માટે સરકાર અને નાગરિકોએ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
