રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત્: સતલાસણમાં આભ ફાટ્યું, આજી નદીમાં ઘોડાપૂર
Live TV
-
મધ્યપ્રદેશમાં સર્જાયેલું દબાણ વરસાવી રહ્યું છે ગુજરાત પર ભારે વરસાદ- મહેસાણાના સતલાસણામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી સરોવર બની સોસાયટીઓ-રાજકોટના ધોરાજી ઉપલેટામાં ભારે વરસાદ-દાહોદમાં અનાસ નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા છ વ્યક્તિઓ તણાયા
રાજ્યમાં ગત છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાત ઉત્તર ગુજરાતની કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ વરસ્યો હતો.મહેસાણાના સતલાસણામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો જિલ્લાના ધરોઈ ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.અને ડેમની સપાટી 605 ફુટને પાર થઈ ગઈ છે.તો મધ્યગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 31 સેન્ટિમીટરનો વધારો થયો છે.હાલ ડેમની સપાટી 122.63 મીટર પર પહોંચી છે.હાલ ઉપવાસમાંથી 31 હજાર 608 ક્યુસેક પાણીની આવક જ્યારે 2107 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.તાપીના ઉકાઈ ડેમમાં પણ સતત સપાટી વધી રહી છે.ડેમની જળસપાટી હાલ 332.45 ફુટે પહોંચી ગઈ છે.તો રાજકોટ અને તેના ઉપરવાસમાં સારા વરસાદને કારણે આજી નદીમાં ઘોડાપુર આવ્યું છે.જેના કારણે નદીના પટમાં આવેલું રામનાથ મહાદેવ મંદિર સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયું છે.તો આસપાસ રહેતા 200થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં ગઇ કાલે રાત્રે ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ થતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 116 મીલી મીટર વરસાદ થયો છે.તો અમરેલી જિલ્લાના કાંઠા વિસ્તાર પીપાવા બંદર અને ચાંચ બંદરમાં તેમજ જાફરાબાદ ખાંભામાં પણ ગઈકાલથી સરેરાશ દોઢથી બેચ ઈંચ વરસાદ પડી રહ્યો છે. દાહોદમાં અનાસ નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા છ વ્યક્તિઓ તણાયા.NDRFની ટીમે આ લોકોને બચાવવા માટે કરેલા તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. ઘટના સ્થળે પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી ,મામલતદાર અને પોલીસના અધિકારીઓ દોડી આવ્યા હતા
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. કોડીનાર સ્થિત સિમેન્ટ કંપનીની માઈન્સ કે જે મોટા તળાવ જેટલી ઊંડી અને વિશાળ છે તે પણ છલકાઈ જતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તાલુકાનાં નવાગામ, પેઢાવાડા, આણંદપુર સહિતના ગામોનાં કુલ 300 વિઘા જેટલા ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીનો ઉભો પાક નષ્ટ થયો છે. આ ખેતરોમાં ઉભેલો મગફળી,બાજરી તથા સોયાબિનનો પાક બરબાદ થઈ જતા વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાન ગયું છે. ત્યારે નિરાશ થયેલા ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માગ કરી રહ્યા છે
