રાજ્યમાં આગામી 24 કલાક માટે વરસાદની આગાહી, મહત્તમ તાપમાન વધશે
Live TV
-
સાયકલોનિક સર્ક્યુલેશન, વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. છૂટો છવાયો વરસાદ રહી શકે છે. ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસ વધશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં પણ રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો. સાયકલોનિક સર્ક્યુલેશન, વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. આજે પણ છૂટો છવાયો વરસાદ રહી શકે છે. ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.
કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કરા સાથે વરસાદ રહી શકે છે. આ અંગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. આવતીકાલે એટલે કે 20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, કચ્છમા હળવો વરસાદ રહી શકે છે. 24 કલાક બાદ તાપમાનમા વધારો થઈ શકે છે. આગામી સાત દિવસ તાપમાનમા 4-5 ડિગ્રીનો વધારો થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને કરા પડવાની સંભાવના છે. ઓરેન્જ એલર્ટમાં મધ્યમ વરસાદ અને કરાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મધ્યમ વરસાદ અને કરા પડી શકે છે:અહીં વીજળી પડવાની શક્યતા 30 થી 60 ટકા જેટલી રહેલી છે.
હળવો વરસાદ અને ગાજવીજ માટે રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ (5 mm/hr થી ઓછો) અને ગાજવીજની શક્યતા છે, જ્યાં પવનની ગતિ 40 કિમી થી ઓછી રહેશે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને ગીરમાં સોમનાથ, દીવ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં યેલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
