નર્મદા તટે ભક્તિનો મહાસાગર: આજથી 'ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા'નો મંગલ પ્રારંભ
Live TV
-
નર્મદા તટે ભક્તિનો મહાસાગર: આજથી 'ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા'નો મંગલ પ્રારંભ
ચૈત્ર માસના પવિત્ર પ્રારંભ સાથે જ આજથી આસ્થાના પ્રતીક સમાન 'ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા'નો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદા મૈયાના પવિત્ર જળમાં સ્નાન કરી, મા નર્મદા અને ભગવાન રણછોડરાયજીના દર્શન કરી પરિક્રમાનો આરંભ કર્યો છે.
પરિક્રમાનો સમયગાળો
આ પવિત્ર પરિક્રમા 19 માર્ચ 2026 થી 17 એપ્રિલ 2026 સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનારા આ શ્રદ્ધા પર્વમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભક્તો ઉમટી પડશે. આ વર્ષે પ્રશાસન દ્વારા 15 લાખથી વધુ પરિક્રમાવાસીઓ આવે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ડિજિટલ બનશે પરિક્રમા: રજીસ્ટ્રેશન ફરજિયાત
યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વર્ષે વિશેષ પહેલ કરવામાં આવી છે. પરિક્રમા કરવા જનાર પ્રત્યેક શ્રદ્ધાળુએ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન બાદ મોબાઈલમાં આવેલો સ્પેશિયલ કોડ ચેકપોસ્ટ કે નિર્ધારિત સ્થળોએ બતાવવાનો રહેશે. રાજ્ય સરકાર દ્વારા પરિક્રમાને લગતી તમામ મહત્વની સૂચનાઓ, હવામાનની આગાહી કે રૂટની વિગતો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજ (SMS) અથવા ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે.
પરિક્રમાનો રૂટ અને મહત્વ
નર્મદા નદી જ્યાં ઉત્તર દિશા તરફ વહે છે તેવા તિલકવાડા અને રામપુરા વચ્ચેના આશરે 21 કિલોમીટરના માર્ગ પર આ પરિક્રમા કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે 'નર્મદે સર્વદે'ના નાદ સાથે આ યાત્રા પૂર્ણ કરે છે.
વહીવટી તંત્રની અપીલ:
ભારે ભીડ અને ગરમીની શક્યતાઓને જોતા શ્રદ્ધાળુઓને પીવાના પાણીની વ્યવસ્થા રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
