રાજ્યમાં છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક વરસાદ, મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતને ઘમરોળ્યું
Live TV
-
રાજ્યમાં છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 8 કલાકમાં સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતના 17 જિલ્લાઓમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા 8 કલાકમાં રાજકોટ શહેર, કોટડા સંઘાણી, લોધિકા અને ગોંડલમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવદમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે.
કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં વરસાદ
હવામાન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતનાં 27 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. તો બનાકાંઠા, પાટણ, ગાંધીનગર સહિત 6 જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આગાહીના કારણે તકેદારીના ભાગરુપે તંત્ર સાબદું બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ SEOC ખાતે બેઠકે સમગ્ર સ્થિતિ અંગે વિગતો મેળવશે.જળાશયો અને ડેમ ભરાયા
વરસાદના કારણે 76 જળાશયો 100 ટકા ભરાયા. 46 જળાશયો 70થી 100 ટકાની વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 24 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 30 ડેમ 25થી 50 ટકા વચ્ચે તેમજ 31 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે. મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોમાંથી વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 40 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. મોરબી શહેરની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 2.50 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 100 ટકા ભરાઈ જતા તેના 30 દરવાજા ખોલવામાં આવ્યા છે. અને ડેમમાંથી 2.50 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે .જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 2.50 લાખ ક્યૂસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો હોવાથી ધોળીધજા ડેમ, નાયકા ડેમ, ફલકુ ડેમ, વડોદ ડેમ ઓવરફ્લો થયા છે. મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સિઝનમાં પહેલી વખત કડાણા ડેમમાંથી સવા લાખ ક્યૂસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે.. જેના પગલે મહીસાગર નદી બે કાંઠે છે. મહીસાગર નદીમાં નવા નીર આવતા વર્ષોની પરંપરા મુજબ મહીસાગર તીર્થધામ દેગમડા ખાતે મહંત અરવિંદગીરીએ સ્થાનિક શ્રદ્ધાળુઓ સાથે નવા નીરના વધામણા કર્યા હતા.ક્યાં કેટલું નુકસાન
રાજ્યભરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓને મોટા પાયે નુકશાન થયુ છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સ્ટેટના 34 હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા 6, આણંદ 2, કચ્છ 1,વડોદરા 6, નર્મદા 1, પચમહાલ 4, ભરૂચ 2, દાહોદ 2, સુરત 1, વલસાડ 1, રાજકોટ 1, મોરબી 4, સુરેન્દ્રનગર 3 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.ચોટીલાના હબીયાસરનો પુલ થયો ધરાશાયી થયો છે. જિલ્લામાં ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાના કે પછી રોડ બેસી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. એવામાં ચોટીલાથી હબીયાસર જતા રસ્તા પર આવેલો પુલ ધડાકાભેર તૂટી ગયો છે. ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઇ નથી.પુલ તૂટી પડતાં હબીયાસર અને ઝુંપડા નાનીયાણી ગામ તરફનો સંપર્ક તૂટી ગયો છે.
તંત્રની કામગીરી
હાલ રાજ્યમાં NDRFની 14 અને SDRF 22 ટીમ તૈનાત કરવામાં આવી છે.. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ગાંધીનગર , આણંદ, ખેડા, વડોદરાના કુલ સાત લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં ભારે વરસાદને પગલે રાહત-બચાવ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે સૈન્યની 6 ટૂકળી ફાળવી છે. સૈન્યની આ ટુકડીઓ અતિ વરસાદથી પ્રભાવિત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લા તત્રને મદદરૃપ થવા ડિપ્લોય કરવામાં આવી રહી છે. પ્રભારી સચિવોને પણ પોતાના જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચવા સુચના આપવામાં આવી છે.
