રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં અનરાધાર મેઘવર્ષા, 129 તાલુકામાં વરસ્યો વરસાદ
Live TV
-
ગત 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સુરત, નવસારી અને ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભરૂચમાં જળબંબાકાર સર્જાયો છે. બજારોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. ત્યારે આવા ધસમસતા પાણીમાં કેટલાક બાળકો જોખમી મસ્તી કરતા જોવા મળ્યા હતા. વાંસદામાં 52 રસ્તા બંધ થયા છે. કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તાઓ બંધ કરાયા છે.
આગામી ત્રણ કલાક સુધી આ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, કચ્છ, જામનગર, ભરૂચ, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દિવ, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, દ્વારકા અને જુનાગઢમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ અપાયું છે.
છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં સવા છ ઇંચ, વ્યારામાં પોણા છ ઇંચ, ડોલવણમાં સવા 5 ઇંચ, પલસાણામાં પાંચ ઇચ, કપરાડા, સોનગઢ અને સુરતમાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાત અને દ્વારકાના કુલ 9 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 50 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે 93 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ,, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં, આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં,, અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે, નવસારી અને વલસાડ જિલ્લામાં,, વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, તાપી, અને ડાંગ જિલ્લામાં, યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ રહેલી છે.
