રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 29 દિવસમાં 1.14 લાખથી વધુ દર્દીઓ 108 રહી કાર્યરત
Live TV
-
છેલ્લા 29 દિવસથી રાજ્યભરમાં પડી રહેલા ભારે વરસાદની વચ્ચે પણ 108 એમ્બ્યુલન્સ સેવાની ઊડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી રહી છે. છેલ્લા 29 દિવસમાં જ 1 લાખ 14 હજારથી વધુ દર્દીઓ માટે 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઇ છે.
ગુજરાતમાં આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન ૧૦૮ની સેવાથી રાજ્યના તમામ નાગરિકો વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો વખતે માનવ જીવોના સંરક્ષણ માટે 108 એમ્બ્યુલન્સની સેવા ખૂબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે. ગુજરાતમાં 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. આ 108ની નિ:શુલ્ક સેવા આજે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિમાં સંજીવની સમાન ગણાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 800થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત છે. આ ઉપરાંત બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
108 જીવીકે ઈએમઆરઆઇના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલના સમયમાં સમગ્ર રાજ્યના તમામ 257 તાલુકા, 18 હજાર જેટલા ગામો, 33 જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ 108ની સેવાનું માળખું ફેલાયેલુ છે.
રાજ્યમાં ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા શરૂ થયાથી આજ સુધીમાં 1 કરોડ 62 લાખથી વધુ લોકોએ આ 108 એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે. રાજ્યમાં ખૂબ ગંભીર પરિસ્થિતિમાં 108ના કર્મીઓની સમયસરની સેવાના કારણે 15.37 લાખ લોકોના જીવ બચાવવાનું મહામૂલું કાર્ય પણ થયું છે, તો 1.42 લાખથી વધુ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી શકાઇ છે. હાલમાં અંદાજે 4 હજારથી વધુ 108 કર્મીઓ સેવા આપી રહ્યા છે.
અદ્યતન સુવિધાઓ અને હાઇ ટેક્નોલોજીથી સજ્જ આ 108 એમ્બ્યુલન્સ વાનના કારણે સમયસર કોલના સ્થળ પર પહોંચવામાં અને સતત મોનિટરિંગ કરવાના કારણે આ સેવા ખૂબ ઝડપી અને લોકોને પ્રાથમિક સારવાર આપવાથી માંડી તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિતની કામગીરી કરે છે.
108 મોબાઇલ એમ્બ્યુલન્સ વાનમાં ખૂબ અદ્યતન ટેક્નોલોજીની વ્યવસ્થા, મેડિકલનાં સાધનો, દવાઓ, મશીનો અને વેન્ટિલેટર-ઓક્સિજન સહિતની સેવા અને ટ્રેનિંગબદ્ધ સ્ટાફ હોવાના કારણે પીડિત વ્યક્તિને તત્કાલિન સેવા મળી રહે છે. સમયસર સારવાર મળવાના કારણે વ્યક્તિનો જીવ પણ બચાવી શકાય છે.
ટેક્નોસેવી વ્યવસ્થાથી સજ્જ આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે 108 ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર 108 સેવાનું મોનિટરિંગ માટેનું ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર, અમદાવાદથી સંચાલિત થાય છે, જ્યાં રોજના અંદાજે 7000થી 7500 જેટલા કોલ્સ લેવામાં આવે છે.
