રાજ્યમાં શિયાળો જામ્યો,સિઝનનું સૌથી ઓછું તાપમાન નલિયામાં 3.4 ડિગ્રી નાંધાયુ
Live TV
-
રાજ્યભરના વિવિધ વિસ્તારમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં એકાએક ઘટાડો આવતા ગુજરાતવાસીઓ ખરો શિયાળો અનુભવી રહ્યા છે. હજુ પણ આગામી 24થી 36 કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે.
ગુજરાત રાજ્યમાં ફરી એક વખતે શિયાળો જામ્યો છે. રાજ્યભરના વિવિધ વિસ્તારમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં એકાએક ઘટાડો આવતા ગુજરાતવાસીઓ ખરો શિયાળો અનુભવી રહ્યા છે. હજુ પણ આગામી 24થી 36 કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે. ત્યારબાદ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તેનું મુખ્ય કારણ છે કે, આગામી બે દિવસમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાત પર રહેશે તેથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે, પરંતુ હાલમાં તો ગુજરાતીવાસીઓ ફુલગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં ગત ડિસેમ્બર માસમાં ઠંડીનો ચમકારો ખૂબ સારી રીતે અનુભવાયો હતો. ત્યારબાદ હવામાન વિભાગ અને વિવિધ હવામાન નિષ્ણાતોના મત મુજબ ડિસેમ્બર માસ કરતાં પણ જાન્યુઆરી માસમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. આ ઉપરાંત કોલ્ડવેવની પણ શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. જેને કારણે ઠંડા પવનોથી વધુ માત્રામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં આ સિઝનનું સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું.
કચ્છના નલિયામાં ગત રાત્રિ દરમિયાન 3.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં પણ 9.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતમાં ડીસા ખાતે 8.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય રાજ્યનાં ચાર મહાનગરોમાં પણ ઠંડીનું જોર યથાવત્ રહ્યું હતું. જેમાં અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 12.1 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. તદુપરાંત વડોદરામાં 11.4 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં આ સિઝનનો સૌથી ઓછું 7.3 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ડાંગ જિલ્લામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ગિરિમથક સાપુતારામાં 9 ડિગ્રીએ લોકોને ધ્રુજાવ્યાં છે. પવન સાથે વાદળછાયા વાતાવરણમાં કડડકતી ઠંડીથી બચવા લોકોએ તાપણાંનો સહારો લીધો હતો. સનરાઈઝ પોઇન્ટ ઉપર પ્રવાસીઓએ ઠંડીની મજા સાથે સૂર્યોદયનો નજારો માણ્યો હતો.