Skip to main content
Settings Settings for Dark

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પીવાના પાણી અંગે લેવાયો મહત્વનો નિર્ણય

Live TV

X
  • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નાગરિકોની સુખાકારી માટે લીધેલા મહત્વના નિર્ણયોની મીડિયાને વિગતો આપી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ મુંગા અબોલ પશુઓને પણ ઘાસચારો તેમજ પાણી ઉપલબ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે.
    વાઘાણીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે 2075 MLD નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણી-૨ જળાશયમાં પાણીનું લેવલ ઘટતા, તેમાંથી પાણીનો ઉપાડ 180 MLD થી ઘટીને 10 થી 15 MLD થયેલ છે જેના માટે રાજ્ય સરકારે બ્રાહ્મણી-૨ જળાશયને નર્મદાના પાણીથી ભરવાનો નિર્ણય કર્યો છે. આ માટે તા. 25 એપ્રિલ-2022 થી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના થકી બ્રાહ્મણી-૨ જળાશય ભરવામાં આવશે. એ જ રીતે કચ્છ જીલ્લા માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત એવા ટપ્પર જળાશયમાં પણ જરૂરિયાત જણાયે આગામી સમયમાં કચ્છ શાખા નહેર દ્વારા નર્મદાના પાણીથી ભરવાનું આયોજન છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલ દાંતીવાડા જળાશયને પણ નર્મદા મુખ્ય નહેર ઉપરના ચાંગા પમ્પિંગ સ્ટેશનથી ભરવા માટેનું આયોજન છે. સીપુ જળાશય આધારિત ગામોને દાંતીવાડા જળાશય આધારિત યોજના સાથે જોડી દેવામાં આવેલ છે. આમ, દાંતીવાડા જળાશય ભરાતા સીપુ જળાશય આધારિત ગામોમાં પૂરતું પાણી મળી રહેશે. 

    મંત્રીએ વાઘાણીએ ઉમેર્યું કે રાજ્યમાં પીવાના પાણીની ફરિયાદોના નિકાલ માટે 24*7 ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1916 કાર્યરત છે. પીવાના પાણી સંદર્ભે જે પણ ફરિયાદો આવે તેનું અત્યંત સંવેદના સાથે નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. ગ્રામ્યકક્ષાએ પાણી સમિતિ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરીને કામગીરી કરાશે. મંત્રીએ ઉમેર્યું કે મુંગા પશુઓને પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે એ માટે મહેસૂલ વિભાગ દ્વારા પૂરતું આયોજન કરાયું છે કચ્છ જિલ્લાના લખપત અને ભુજ તાલુકામાં ઘાસચારાની માંગણી આવી છે એ સંદર્ભે પૂરતી વ્યવસ્થાઓ કરી છે તેમજ અન્ય જગ્યાએ જેમ જેમ માંગણી આવશે તેમ-તેમ ઘાસચારો પૂરો પાડવામાં આવશે.

    વાઘાણીએ ઉમેર્યું કે રાજ્યમાં જળસંગ્રહ થાય એ માટે પ્રતિ વર્ષ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો અને જળાશયો ઊંડા કરવા સહિત કેનાલ સફાઈના કામો હાથ ધરાઇ રહ્યા છે. આ વર્ષે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ 18,700 જેટલા કામો હાથ ધરાયા છે તે તમામ કામો આગામી તા. 31 મે સુધી પૂર્ણ કરવા સૂચના આપી દેવાઇ છે.

    રાજ્ય સરકારે ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કિલો દીઠ રૂ. 2/-ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધતા બજારમાં તેની આવક સમયે ભાવ શરૂઆતથી જ ગત વર્ષ કરતાં નીચા રહ્યા છે તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. રાજ્યમાં તા. 1 એપ્રિલ-2022 થી તા. 30 એપ્રિલ 2022 સુધીમાં અંદાજે 45 લાખ કટ્ટા (50 કિલોના) વેચાણ માટે APMC ખાતે આવવાની સંભાવના છે ત્યારે 2250 લાખ કિલોના રૂપિયા બે લેખે 45 કરોડ જેટલી સહાય ચૂકવાશે.

    રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રીએ રૂ. 500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધારાનું રૂ. 135 કરોડનું રિવોલ્વીંગ ફંડ ઉમેરવાનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સમયસર ધિરાણ પરત ભરપાઈ કરતા ખેડૂતોને રૂ. 3 લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ક્રમશઃ 4 ટકા અને 3 ટકા વ્યાજ સહાય અપાય છે.

    વાઘાણીએ ઉમેર્યું કે રાજ્ય સરકારને તાજેતરમાં પ્રધાનમંત્રીના હસ્તે બે એવોર્ડ એનાયત થયા છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ છે. પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એકસેલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન-2021 ઇનોવેશન કેટેગરીમાં દેશના સૌપ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રને ટીમ ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન ઓફ સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઈન ગુજરાત થ્રુ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાતને એવોર્ડ મળ્યો છે આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એકસેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન-2020 એવોર્ડ મળ્યો છે જેમાં બેસ્ટ પર્ફોમન્સ ટીમ ફોર પ્રમોટિંગ પીપલ્સ મુવમેન્ટ જનભાગીદારી થ્રુ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ઓફ મહેસાણાની પસંદગી થઈ છે.

    વાઘાણીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અંદાજપત્ર રજૂ કરાયું છે. જે અંતર્ગત 98 ટકા જેટલી ચાલુ બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે જ્યારે, 90 ટકા જેટલી નવી બાબતો મંજૂર કરી છે તે અંગે પણ સત્વરે નીતિવિષયક નિર્ણયો લઈને આ કામો શરૂ કરાશે. એટલું જ નહીં. માળખાગત સુવિધાઓ સહિત માર્ગોના કામો પણ ચોમાસુ બેસે એ પહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ માટે જિલ્લા પ્રભારી મંત્રીઓને પણ સતત મોનિટરિંગ કરીને સ્થાનિક પ્રશ્નોનો ઝડપથી હલ કરી વિકાસ કામોમાં ઝડપ લાવવા પણ મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે તેમ તેમણે જણાવ્યું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply