રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા. 31 ઑક્ટોબર સુધી લંબાવાઈ
Live TV
-
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતનાં ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. 25 -09 -2023 થી તા. 16-10-2023 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેડૂતોએ કરેલી રજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી તા. ૩૧ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.
મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, તા. ૧૫ ઑક્ટોબર સુધીની સ્થિતિએ રાજ્યમાં મગફળી માટે 35,585 ખેડૂતો, સોયાબીન માટે 23,316 ખેડૂતો, મગ પાક માટે ૯૫ ખેડૂતો અને અડદ પાક માટે ૬૨ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં સહભાગી થઈ તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મેળવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
