રાષ્ટ્રસેવાના 12 વર્ષ પૂર્ણ : ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પસાર કર્યો સર્વાનુમતે અભિનંદન ઠરાવ
Live TV
-
ગુજરાત રાજ્ય વકફ બોર્ડની બેઠકમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી મોદીના રાષ્ટ્રસેવાના સતત 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સર્વાનુમતે અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
બોર્ડ દ્વારા પ્રધાનમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતાને બિરદાવી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ઠરાવમાં જણાવાયું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષ દરમિયાન ભારતે વિકાસ, સુશાસન, આત્મનિર્ભરતા અને સર્વસમાવેશક કલ્યાણના ક્ષેત્રે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ”ના મંત્રને સાકાર કરતાં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓએ દેશના કરોડો નાગરિકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યું છે.ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પોતાના અભિનંદન સંદેશમાં જણાવ્યું હતું કે ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ વર્ગોના ઉત્થાન માટે હાથ ધરાયેલા વિવિધ પ્રયાસોના પરિણામે “ઈઝ ઓફ લિવિંગ”ના સંકલ્પને વાસ્તવિક સ્વરૂપ મળ્યું છે. આવાસ, આરોગ્ય, સ્વચ્છતા, નાણાકીય સમાવેશ, મહિલા સશક્તિકરણ અને સામાજિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ દેશના વિકાસના નવા અધ્યાયની સાક્ષી બની છે.
બોર્ડ દ્વારા વધુમાં જણાવાયું હતું કે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ “વિકસિત ભારત @ 2047 ”ના મહાસંકલ્પને સાકાર કરવા માટે સમગ્ર દેશ પ્રતિબદ્ધ છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ પણ “વિકસિત ગુજરાત” થકી “વિકસિત ભારત”ના રાષ્ટ્રીય ધ્યેયને સિદ્ધ કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.આ પ્રસંગે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ ડૉ. મોહસિન લોખંડવાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ દેશે સર્વાંગી વિકાસ અને સર્વસમાવેશક પ્રગતિનો નવો માર્ગ પ્રશસ્ત કર્યો છે. તેમના યોગદાનને દેશ હંમેશા યાદ રાખશે.બેઠકમાં બોર્ડના સભ્યઓ જિશાનભાઈ નકવી, આરિફ સલોત,ઇમરાન ખેડાવાલા,સોફિયાબેન જામાલ, શબાનાબેન કુરેશી તેમજ મુખ્ય કારોબારી અધિકારી પ્રદીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ પ્રધાનમંત્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
