રાહુલ મોદીએ ઈન્ડિયન મેરીટાઇમ સેન્ટર (IMC)ના ચેરમેન તરીકેનો પદભાર સંભાળ્યો
Live TV
-
ઈન્ડિયન મેરીટાઇમ સેન્ટર (IMC)ના નવનિયુક્ત ચેરમેન તરીકે રાહુલ મોદીએ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલની ઉપસ્થિતિમાં ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મુંબઈ ખાતે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે, IMC બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૧૨મી બેઠકમાં રાહુલ મોદીની ચેરમેન તરીકે તથા મનીષ પ્રધાનની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. રાહુલ મોદી (કોસ્ટલ કન્ટેનર ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ અને નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય) દેવકી નંદનનું સ્થાન લેશે. જ્યારે મનીષ પ્રધાન (MASSAના ચેરમેન અને સિનર્જી મરીન ગ્રુપના COO) શંકર શિંદેના સ્થાને વાઇસ ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે,કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક
પદભાર ગ્રહણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં IMCની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનની પ્રગતિ, ભાવી યોજનાઓ અને સંચાલન સંબંધિત જરૂરિયાતોની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં રાહુલ મોદી, પૂર્વ ચેરમેન દેવકી નંદન, કેપ્ટન ડૉ. સંકલ્પ શુક્લા, કેપ્ટન ચંદ્રન ડેનિયલ, પી.કે. મિશ્રા, CEO કેપ્ટન તુષાર પ્રધાન અને સલાહકાર કેપ્ટન વિકાસ વિજ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મુખ્ય મુદ્દાઓ અને ચર્ચાના અંશો અંગે વિગતે વાત કરીએ તો
દેવકી નંદને જર્મન મેરીટાઇમ સેન્ટર સાથે થયેલા એમઓયુ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, જર્મનીમાં શિપયાર્ડ, એન્જિનિયરિંગ અને સીફેરીંગ ક્ષેત્રે કુશળ ભારતીય માનવબળ માટે વિશાળ તકો રહેલી છે.
કેપ્ટન ડૉ. સંકલ્પ શુક્લાએ જર્મની, જાપાન અને સિંગાપોર જેવા દેશો સાથે સંસ્થાકીય જોડાણો કરવા અને કુશળ માનવબળ ઉપરાંત ભારતમાં બનેલા 'મરીન સ્પેર પાર્ટ્સ' સપ્લાય કરવાની શક્યતાઓ ચકાસવા પર ભાર મૂક્યો.
કેપ્ટન વિકાસ વિજે તેમની ઓગસ્ટ ૨૦૨૬ની જાપાન મુલાકાત વિશે માહિતી આપતા જણાવ્યું કે, શિપબિલ્ડિંગ, સ્કિલ ડેવલપમેન્ટ અને શિપિંગ ટ્રેડ ક્ષેત્રે સહયોગ માટે જાપાન મેરીટાઇમ સેન્ટર સાથે એમઓયુ અંગે વાતચીત શરૂ થઈ છે. આ સંદર્ભે કેન્દ્રીય મંત્રીએ જાપાન મેરીટાઇમ સેન્ટરના ચેરમેનને ભારત મુલાકાતનું આમંત્રણ આપવા સૂચન કર્યું હતું.
પી.કે. મિશ્રાએ જણાવ્યું કે ભારત પાસે વિવિધ સંસ્થાઓ દ્વારા દરિયાઈ ક્ષેત્રના માનવબળને વધુ સક્ષમ બનાવવાની ક્ષમતા છે, જે આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે રાહુલ મોદીને અભિનંદન પાઠવતા સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે IMC એ તમામ હિતધારકો માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ અને ભારતને વિશ્વમાં એક અગ્રણી દરિયાઈ રાષ્ટ્ર બનાવવા માટે વૈશ્વિક સ્તરે સંસ્થાકીય જોડાણો મજબૂત કરવા જોઈએ.નવ નિયુક્ત ચેરમેન રાહુલ મોદીએ મંત્રીને ખાતરી આપી હતી કે IMC ટીમ સરકારની અપેક્ષાઓ પૂર્ણ કરવા અને કેન્દ્રના ઉદ્દેશ્યોને આગળ વધારવા માટે તમામ પ્રયાસો કરશે.
