સરહદની સુરક્ષા સાથે યુવાનોના સપનાઓને પાંખો: 85 બીએસએફના વોલીબોલ મહોત્સવમાં કચ્છની 16 ટીમોનો જંગ
Live TV
-
સરહદની રક્ષા સાથે સરહદી વિસ્તારના યુવાનોમાં રમતગમતની ભાવના વિકસે અને સ્થાનિક પ્રતિભાઓને પોતાની કાબેલિયત દર્શાવવા માટે યોગ્ય મંચ મળે તે હેતુથી 85 બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ગાંધીધામ દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના સહયોગ અને પ્રાયોજકત્વ હેઠળ યોજાયેલી આ બે દિવસીય સ્પર્ધામાં કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોની કુલ 16 ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે.
ગાંધીધામ ખાતે 85 બીએસએફ બટાલિયનના મુખ્યાલયમાં યોજાયેલી સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વાસણ આહીર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે 85 બીએસએફના કમાન્ડન્ટ શિવકુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ, બીએસએફના અધિકારીઓ તથા જવાનો ઉપરાંત સ્થાનિક યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે વાસણભાઈ આહીરે બીએસએફ દ્વારા દેશની સરહદોની સુરક્ષા માટે આપવામાં આવતી સેવાઓને બિરદાવી હતી. સાથે જ સરહદી વિસ્તારના લોકો સાથે રમતગમત અને વિવિધ લોકહિતલક્ષી પ્રવૃત્તિઓના માધ્યમથી બીએસએફ દ્વારા કેળવવામાં આવતા સેતુની પણ પ્રશંસા કરી હતી. તેમણે યુવાનોને રમતગમતમાં સક્રિયપણે જોડાઈને પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાનો વિકાસ કરવા તેમજ નશાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.
કમાન્ડન્ટ શિવકુમારે જણાવ્યું હતું કે બીએસએફની જવાબદારી માત્ર સરહદની સુરક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સરહદી વિસ્તારોના સર્વાંગી વિકાસમાં પણ સંસ્થા મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આવી રમતોત્સવો દ્વારા યુવાનોમાં શિસ્ત, ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને ખેલદિલીની ભાવના વિકસે છે. ઉપરાંત અંતરિયાળ ગામોમાં છુપાયેલી રમત પ્રતિભાઓને ઓળખવા માટે પણ આવા આયોજન ઉપયોગી સાબિત થાય છે. વિજેતા અને રનર્સ-અપ ટીમો ઉપરાંત શ્રેષ્ઠ ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
