રોજગારી પ્રદાન કરવામાં ગુજરાત દેશમાં મોખરે
Live TV
-
દરેક ક્ષેત્રે ગુજરાત વિકાસ સાધી રહ્યું છે ત્યારે હવે રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ સ્થાન પર રહ્યું છે. રાજ્ય સરકારના સુશાસનનાં પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને જોડીને અનેકવિધ જનહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં રોજગાર દિવસ અંતર્ગત યુવાઓને રોજગારી પુરી પાડવાનો પણ રાજ્ય સરકારનો નિર્ધાર છે. તેવામાં પીરીયોડિક લેબર ફોર્સ દ્વારા કરવામાં આવેલા સરવેને અનુસાર ૧૫ થી ૨૯ વર્ષની વયમર્યાદામાં દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારી દર સૌથી નીચો છે.
18,174 ઔદ્યોગિક એકમોને એપ્રેન્ટીસ એક્ટ હેઠળ આવરી લઇ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ પર છે. રાજ્યમાં ઓનલાઇન 1947 ભરતી મેળાઓ યોજી 76,326 ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે. તો 1034 વેબીનાર યોજી 1,40,000 ઉમેદવારોને ડિઝીટલ માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજ્ય સરકારના 'રોજગાર સેતુ' પ્રોજેકટને યુવાનો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. ૪૮ હજારથી વધુ યુવાનોએ આ સેવાનો લાભ લીધો છે. આ ઉપરાંત છેલ્લા ૪ વર્ષમાં બે લાખ યુવક-યુવતીઓને સરકારી સેવામાં નિયુક્તિ મેળવી છે અને હજુ વધુ 1,00,000 યુવાઓને સરકારી નોકરીમાં ભરતી કરવામાં આવશે.
