લંડન હીથ્રો એરપોર્ટ કેસરની સુગંધથી મહેક્યું, સાત સમંદર પાર કેસરનો દબદબો
Live TV
-
જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફુસના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય, ત્યારે એક ભારતીય તરીકે બહુ ગર્વ થાય. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા એનઆરઆઈ માટે આ માત્ર ફ્રૂટ નથી, વતનની યાદ છે. લોકો ગમે તેટલા ભાવ આપીને પણ તે ખરીદવા તૈયાર હોય છે. હવે તો યુરોપિયન પ્રજાને પણ 'ઈન્ડીયન મેન્ગો' નો ભારે ચસ્કો લાગ્યો છે. આ ગૌરવશાળી શબ્દો છે ઇંગ્લેન્ડમાં કેરી ઇમ્પોર્ટ કરતા શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના. તેઓ પ્રતિ વર્ષ સ્પેશિયલ કેરીની ખરીદી માટે ગુજરાત રૂબરૂ આવે છે. તેમના મતે સાઉથ અમેરિકા, બ્રાઝિલ કે પેરુની કેરીઓ દેખાવમાં ભલે લાલચટ્ટક હોય, પણ સ્વાદમાં અંદરથી ફિક્કી હોય છે; જ્યારે ભારતની કેસર કેરી તો ખરા અર્થમાં 'સ્વાદનો રાજા' છે.

વૈજ્ઞાનિક પ્રક્રિયાથી કેરી બને છે 'ગ્લોબલ પ્રોડક્ટ'
વિદેશી બજારોમાં એન્ટ્રી મેળવતા પહેલાં કેરીને અદભુત વૈજ્ઞાનિક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) દ્વારા માન્યતા પ્રાપ્ત બગીચાઓમાંથી જ કેરી મેળવીને પ્રોસેસ કરાય છે. રાજકોટના કુવાડવા ખાતે સ્થિત 'કુંજ કોલ્ડ વેર સોલ્યુશન-પેક હાઉસ'ના માલિક શ્રી સમીર સાપરીયા જણાવે છે કે અમેરિકા, ઇંગ્લેન્ડ, યુ.એ.ઈ., ઓસ્ટ્રેલીયા અને ગલ્ફ દેશોની જરૂરિયાત મુજબ અલગ-અલગ પ્રોસેસિંગ કરવામાં આવે છે. અમેરિકા માટે ખાસ 'હોટ વોટર પ્રોસેસ' અને ઇંગ્લેન્ડ-કેનેડા માટે હોટ વોટરની સાથે 'રાઈપનિંગ પ્રોસેસ' કરવામાં આવે છે. જૂનાગઢ, તાલાળા અને કચ્છની કેસર તેમજ વલસાડની રાજાપુરી કેરીઓ આ આધુનિક પેક હાઉસમાં પ્રોસેસ થાય છે.
ડી-સેપિંગથી લઈને હાઇડ્રો-કૂલિંગ: આંતરરાષ્ટ્રીય પેકિંગની રોમાંચક સફર
પેક હાઉસમાં કેરીની શેલ્ફ લાઇફ વધારવા માટે મુખ્ય ત્રણ આધુનિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે:
૧. ડી-સેપિંગ (De-Sapping)
સવારના ઠંડા પહોરમાં બગીચામાંથી તોડેલી કેરીને પેક હાઉસ લાવી તેની ડીંટડી ઉંધી રાખીને સ્પેશિયલ કન્વેયર બેલ્ટ કે ટ્રે પર રખાય છે. આનાથી ડીંટડીનો બધો ચીક (રસ) નીકળી જાય છે, જેથી કેરી પર કાળા ડાઘ પડતા નથી અને તે લાંબો સમય સુરક્ષિત રહે છે.
૨. હોટ વોટર ટ્રીટમેન્ટ (Hot Water Treatment)
કેરીને 48°C થી 52°C તાપમાન ધરાવતા ગરમ પાણીમાં ૧૦ મિનિટ માટે ડુબાડવામાં આવે છે.
-
ફાયદો: આનાથી કેરીમાં થતો 'એન્થ્રેકનોઝ' (કાળા ડાઘા પડવાનો રોગ) અને સડો ફેલાવતી ફૂગ નાશ પામે છે.
-
ફળમાખી (Fruit Fly) ના ઇંડા અને ઇયળો મરી જાય છે.
-
ગરમ પાણીને કારણે કેરીમાં કુદરતી ઇથિલિન ગેસ સક્રિય થતાં બધી જ કેરીઓ એકસાથે અને એકસરખી રીતે પાકે છે.
૩. હાઇડ્રો-કૂલિંગ (Hydro-Cooling)
ગરમ પાણીમાંથી કાઢેલી કેરીને તુરંત જ 10°C થી 15°C તાપમાનવાળા ઠંડા પાણીમાં ૧૦ મિનિટ રાખીને હવામાં સૂકવવામાં આવે છે.
-
ફાયદો: ઠંડકને કારણે કેરીનો શ્વસન દર (Respiration Rate) ધીમો પડી જાય છે, જેથી તેની છાલ કડક રહે છે, તે લાંબો સમય તાજી રહે છે અને પાક્યા પછી તેનો રંગ અત્યંત આકર્ષક અને પીળો દેખાય છે.
ડૉલર-પાઉન્ડમાં કમાણી કરતા ખેડૂતો:
હવે ખેડૂતોએ વિદેશમાં કેરી વેચવા માટે વચેટિયાઓ પર આધાર રાખવો પડશે નહીં. ખેડૂતો પોતાનું ગ્રુપ બનાવી એફ.પી.ઓ. (Farmer Producer Organization) ના માધ્યમથી સીધી જ કેરી વિદેશમાં એક્સપોર્ટ કરીને ડૉલર અને પાઉન્ડમાં કમાણી કરી શકે છે. એકસરખું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરીને એક્સપોર્ટ કરતા આવા એફ.પી.ઓ.ને સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસીડી અને આર્થિક સહાય પણ આપવામાં આવે છે.
કેરી બાદ હવે શાકભાજી ધૂમ મચાવશે
ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે વધુ એક ઉત્સાહજનક સમાચાર એ છે કે માત્ર કેરી જ નહીં, પરંતુ ૨૦૨૬ ના ચોમાસા પછી એટલે કે આગામી સપ્ટેમ્બર મહિનાથી ગુજરાતના પ્રીમિયમ શાકભાજી જેવા કે જી–ફોર મરચાં, ભીંડો, કારેલા, તૂરિયા અને ગલકા સહિતની જણસોને પણ આ જ આધુનિક પ્રોસેસિંગ ટ્રીટમેન્ટ આપીને વિદેશી બજારોમાં મોકલવાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
-