લખતર-વિરમગામ હાઈવે ગમખ્વાર અકસ્માતઃ બેફામ ટ્રકે દર્શને જતાં સંઘ પર ફરી વળતા 7 લોકોના મોત
Live TV
-
લખતર-વિરમગામ હાઈવે ગમખ્વાર અકસ્માતઃ બેફામ ટ્રકે દર્શને જતાં સંઘ પર ફરી વળતા 7 લોકોના મોત
લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા ગામ નજીક આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે પદયાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓને અડફેટે લેતા 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં રાજકોટના ગઢકા ગામનો મુંધવા પરિવાર વિખેરાઈ ગયો છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
મળતી માહિતી મુજબ, રાજકોટના ગઢકા ગામનો મુંધવા પરિવાર પદયાત્રા કરી ધાર્મિક સ્થળે જઈ રહ્યો હતો. આ શ્રદ્ધાળુઓ જ્યારે ભાસ્કરપરા પાસે હાઈવે પર ઉભેલા એક ડમ્પર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા એક બેફામ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રકે પદયાત્રીઓને અડફેટે લઈ ડમ્પર સાથે જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકની ટક્કર વાગતા જ 6 પદયાત્રીઓના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. મૃતકોમાં 5 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
હોસ્પિટલમાં વધુ એક મોત
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ડમ્પર ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આમ, આ કાળમુખા અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે.
પોલીસઘટનાની જાણ થતા જ લખતર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તમામ મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
એક જ પરિવારના સાત સભ્યોના મોત સમાચાર મળતા જ ગઢકા ગામમાં માતમ છવાઈ ગયો છે. શ્રદ્ધા સાથે નીકળેલા પદયાત્રીઓ કાળનો કોળિયો બની જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
