લોકસભા ચૂંટણી માટે જાણો વિવિધ પક્ષના ઉમેદવારોએ ક્યાંથી ભર્યા ઉમેદવારી પત્રો
Live TV
-
રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર પરેશ ધાનાણીએ શુભ મુર્હૂતમાં ઉમેદવારી પત્ર ભરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરેશ ધાનાણીએ રાજકોટના બહુમાળી ચોક ખાતે સભા યોજી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ તેમજ પૂર્વ ધારાસભ્યો અને શહેર અને જિલ્લાના પ્રમુખો આગેવાનો તેમજ આપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન કોંગ્રેસના વક્તાઓએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
નવસારી લોકસભા બેઠકમાં સી.આર. પાટીલે આજે વિજય મુર્હૂતમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. નોંધનીય છે કે ગત રોજ સી.આર. પાટીલ વિજય મુર્હુત ચૂકી જતા તેમનું ફોર્મ ભરાયું નહોતું. આજે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરતા કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈ તેમજ ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલે પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી.
જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુનમ માડમે બપોરે 12:39 કલાકના વિજય મુહૂર્તમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. પૂનમબેન માડમની સાથે ગુજત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીપટેલ અને મૂળુ બેરા તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા તથા પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી તથા ભાજપના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂનમ માડમે સતત ત્રીજી વાર જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દમણ દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ વિસ્તારમાં જનસભા યોજી હતી. જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેતન પટેલ સભા બાદ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર પશુપાલક આંદોલનના પ્રણેતા ચેતન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે આગામી સમયમાં સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જનતાને સ્પષ્ટ અને સબળ નેતૃત્વ આપવાની સાથોસાથ પ્રામાણિક પણે ખેતી અને પશુપાલન મામલે પ્રગતિ કારક નેતૃત્વ આપવાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં ખેતી અને પશુપાલન ઉપર નભતો જિલ્લો છે ત્યારે તેઓ જીતશે તો હજારો પશુપાલકોને પડતી સમસ્યાઓ દૂર કરવામાં પાયારૂપ ભૂમિકા ભજવશે.