લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ખર્ચ નિરીક્ષણ માટે વિવિધ ટીમોની તાલીમ યોજાઈ
Live TV
-
ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા રૂ. 95 લાખ નક્કી કરવામાં આવી છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી સહિત સમગ્ર દેશભરમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલમાં લાવવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પરીખના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આચાર સંહિતાની સુચારૂ અમલવારી માટે વિવિધ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. જેમાં, ખર્ચ નિરીક્ષણના નોડલ ઓફિસર તરીકે ડી.ડી.ઓ. દીપેન કેડિયાને નિયુક્ત કરાયા છે.
ચૂંટણી સમયે રાજકીય પક્ષો અને ઉમેદવારો વિવિધ રીતે, વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રચાર કરીને મતદારો સુધી પોતાની વાત પહોચાડવા માટે ખર્ચ કરતા હોય છે. કોઈ પણ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયએ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતા નક્કી કરી છે અને નિયમો બનાવ્યા છે. જે મુજબ, ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા રૂ. 95 લાખ નક્કી કરવામાં આવી છે.
ઉમેદવારો દ્વારા ચૂંટણી લડવા-પ્રચારમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ પણ ચૂંટણી પંચે નક્કી કર્યા છે. જો કોઈ ઉમેદવાર નિર્ધારિત મર્યાદાથી વધુ ખર્ચ કરે તો ગેરલાયક ઠરે છે. એટલે દરેક ઉમેદવારે મર્યાદામાં જ ખર્ચ કરવાનો હોય છે. ચૂંટણીમાં કરાતા ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ખર્ચ નિરીક્ષક ટીમ તૈનાત કરવામાં આવી છે.
આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે જિલ્લાની ફ્લાઈંગ સ્કવોડની ટીમ, સ્ટેટીક સર્વેલન્સની ટીમ અને વીડિયો સર્વેલન્સ સહિતની અન્ય ટીમ તૈનાત રહેશે. તેમને કરવાની કામગીરી અંગે જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયાની અધ્યક્ષતામાં તાલીમ યોજી માહિતી પૂરી પાડવામાં આવી હતી.