લોહાણા મહાપરિષદ દ્વારા ગ્લોબલ સરસ્વતી સન્માન 2025નું ભવ્ય આયોજન: 192 પ્રતિભાઓનું સન્માન
Live TV
-
લોહાણા મહાપરિષદ દ્વારા ગ્લોબલ સરસ્વતી સન્માન 2025નું ભવ્ય આયોજન: 192 પ્રતિભાઓનું સન્માન
શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ, સેવા અને સમર્પણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાઓને બિરદાવવાનો હતો.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને BAPSના પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર કુલ 192પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. 178 વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા, યુનિવર્સિટી ગોલ્ડ મેડલ, પીએચ.ડી., પ્રોફેશનલ ડિગ્રી અને સિવિલ સર્વિસિસ જેવી કેટેગરીમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા. 10 આદર્શ શિક્ષકોને તેમના જીવનભરના શિક્ષણ ક્ષેત્રના યોગદાન બદલ બિરદાવવામાં આવ્યા.
આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના વિવિધ રાજ્યોમાંથી સમાજના અગ્રણીઓ અને પ્રતિભાશાળી લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ જ્ઞાન, સેવા અને સમર્પણ જેવા શાશ્વત મૂલ્યોને ઉજાગર કરશે અને સમાજ આવનારી પેઢીને પ્રેરણા આપવામાં અગ્રેસર રહેશે.”
શ્રી લોહાણા મહાપરિષદના અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સતીશ વિઠલાણીએ આ પ્રસંગે આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “ગ્લોબલ સરસ્વતી સન્માન 2025એ શિક્ષિત અને વિકસિત સમાજના મિશનમાં એક નવું સોપાન ઉમેરશે, અને સમાજનો પ્રત્યેક નાગરિક સમાજની સાથે દેશના વિકાસમાં સહભાગી બનશે.”
