વડનગરમાં દેશની સૌથી મોટી કન્સ્ટ્રક્શન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ
Live TV
-
વડનગરમાં દેશની સૌથી મોટી કન્સ્ટ્રક્શન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન અને ઐતિહાસિક નગર એવા વડનગરમાં દેશના યુવાનો માટે કૌશલ્ય વિકાસનું એક મોટું કેન્દ્ર આકાર પામ્યું છે. ઇજનેરી ક્ષેત્રની દેશની અગ્રણી કંપની L&T દ્વારા ગુજરાત સરકારના સહયોગથી વડનગરમાં દેશની સૌથી મોટી ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) ની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા માત્ર આધુનિક પ્રેક્ટિકલ તાલીમ જ નથી આપતી, પરંતુ યુવાનોને દેશના મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોજગારની સીધી તક પણ પૂરી પાડી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવ્યા બાદ, આ અદ્યતન સંસ્થા માત્ર આઠ મહિનાના ટૂંકા ગાળામાં કાર્યરત કરી દેવામાં આવી છે. સંસ્થાની પાયલોટ બેચમાં 201 તાલીમાર્થીઓ સફળતાપૂર્વક પોતાનો કોર્સ પૂર્ણ કરી ચૂક્યા છે.
20થી વધુ ઇન્ડસ્ટ્રિયલ ટ્રેડમાં હાઇટેક તાલીમ
વિશાળ કેમ્પસમાં ફેલાયેલી આ સંસ્થામાં ઉદ્યોગોની આજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 45થી 90 દિવસના શોર્ટ-ટર્મ તાલીમ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. અહીંનું ટ્રેનિંગ ફ્રેમવર્ક યુનાઇટેડ કિંગડમ (UK) ના પ્રતિષ્ઠિત Construction Industry Training Board (CITB) ના વૈશ્વિક ધોરણો પર આધારિત છે.
સંસ્થામાં મુખ્યત્વે 20થી વધુ ઇન્ડસ્ટ્રિયલ ટ્રેડમાં પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે, જેમાં વેલ્ડિંગ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ, સોલાર પીવી (PV) ઇન્સ્ટોલેશન, એચ.વી.એ.સી (HVAC),પ્લમ્બિંગ, સીસીટીવી (CCTV), ટેલિકોમ , સ્કેફોલ્ડિંગ અને સર્વેઇંગ , ફાયર ફાઈટિંગ , કન્સ્ટ્રક્શન ટેકનોલોજી ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
સંપૂર્ણ મફત સુવિધા: રહેવા-જમવાનો કોઈ ખર્ચ નહીં
આ સંસ્થાની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં યુવાનોને આપવામાં આવતી તાલીમ તદ્દન મફત છે. એટલું જ નહીં, તાલીમાર્થીઓ માટે કેમ્પસમાં જ હોસ્ટેલ અને ભોજનની સુવિધા પણ બિલકુલ નિઃશુલ્ક (મફત) પૂરી પાડવામાં આવે છે, જેથી ગ્રામીણ અને આર્થિક રીતે નબળા વર્ગના યુવાનો પણ સરળતાથી આ તાલીમ મેળવી શકે.
કેમ્પસના અનુભવ અંગે વાત કરતા તાલીમાર્થી ગિરીશ પટેલે જણાવ્યું કે, "મને મિત્રો દ્વારા આ સંસ્થા વિશે ખબર પડી હતી. મેં અહીં આવીને કેમ્પસ જોયું અને તાલીમમાં જોડાઈ ગયો. અહીં જે રીતે સંપૂર્ણ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે તે અદભુત છે."
તાલીમ પૂરી થતાં જ ₹20000 સુધીનું સ્ટાઇપેન્ડ અને વૈશ્વિક તકો
અહીં 45થી 90 દિવસ સુધીના તાલીમ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ તરત જ યુવાનોને એલ એન્ડ કંપનીનાં દેશમાં મોટા પ્રોજેક્ટ જેવા કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો, ધોલેરા સેમિકન્ડક્ટર ફેબ અને સોલાર પાવર પ્રોજેક્ટ જેવા મોટા પ્રોજેક્ટોમાં મહિને રૂપિયા 18,000 થી 20000નાં પ્રારંભિક સ્ટાઇપેન્ડ સાથે કામ કરવાની તક મળે છે.
આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટની ઉજળી તક
ICSTI વડનગરના વડા નિરંજન મિશ્રાએ જણાવ્યું હતું કે, "અહીં તાલીમાર્થીઓને તેમની કુશળતા (Skills) ના આધારે અલગ-અલગ સ્તરે વર્ગીકૃત કરવામાં આવે છે. 33 મહિનાના ગાળા બાદ ઉમેદવારો માટે L&Tમાં કાયમી (Permanent) નોકરી મેળવવાની તેમજ વિદેશમાં (International Placement) જઈને કરિયર બનાવવાની ઉત્તમ તકો ઉપલબ્ધ બને છે."
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 'કુશળ માનવબળ'ની કમી પૂરાશે
ભારતમાં હાલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે, જેને કારણે આ ક્ષેત્રમાં સ્કિલ્ડ (કુશળ) વર્કફોર્સની માંગ અભૂતપૂર્વ રીતે વધી છે. વડનગરની આ ઔદ્યોગિક બાંધકામ તાલીમ સંસ્થા 'તાલીમથી સીધા રોજગાર'નો મજબૂત સેતુ બનીને દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવાનું અને ઉદ્યોગોની કુશળ માનવબળની અછતને પૂરી કરવાનું એક ભગીરથ કાર્ય કરી રહી છે.
