વડોદરામાં પ્રગતિ પથ યાત્રા અંતર્ગત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNLની મુલાકાત લેવાઈ
Live TV
-
વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના વિવિધ લોકકલ્યાણકારી, શૈક્ષણિક અને ઔદ્યોગિક પ્રકલ્પોને જન-જન સુધી પહોંચાડવાના આશય સાથે ભવ્ય "પ્રગતિ પથ યાત્રા" નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે.
જેમાં પ્રથમ કાર્યક્રમ અંતર્ગત વડોદરા ખાતે આવેલા અત્યાધુનિક GUVNL ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના ડિજિટલ કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, યુવાનો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતના સ્માર્ટ એનર્જી નેટવર્કનું 'મગજ' ગણાતા આ કેન્દ્રની કાર્યપ્રણાલીને લાઈવ નિહાળી હતી.
GUVNLના એક્ષપર્ટ દ્વારા વડોદરા ખાતે આવેલા અત્યાધુનિક ડિજિટલ કંટ્રોલ રૂમ વિશે માહિતી આપતા જ્ણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં રીઅલ-ટાઇમ વીજ પુરવઠાનું મોનિટરિંગ, ગ્રીડ મેનેજમેન્ટ અને આપત્તિ વ્યવસ્થાપન માટે ડિજિટલ કંટ્રોલ રૂમ ૨૪×૭ કાર્યરત રહે છે. આ કંટ્રોલ રૂમ વિશાળ વીડિયો વોલ (Video Wall) અને આધુનિક SCADA (Supervisory Control and Data Acquisition) સિસ્ટમથી સજ્જ છે.
આ ટેકનોલોજી દ્વારા સમગ્ર જિલ્લામાં કયા સબ-સ્ટેશન પર કેટલો લોડ છે અને ક્યાં ફોલ્ટ થયો છે, તેની પળેપળની માહિતી લાઈવ જોઈ શકાય છે. જેનાથી ચોમાસું, વાવાઝોડું કે અન્ય કટોકટીના સમયે આ કંટ્રોલ રૂમ મુખ્ય કમાન્ડ સેન્ટર બની જાય છે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવટો ખોરવાય તો તેને ખૂબ જ ઝડપથી વૈકલ્પિક લાઈન દ્વારા પુનઃસ્થાપિત કરવાનું મોનિટરિંગ પણ અહીંથી જ થાય છે. સરકારના 'ડિજિટલ ઇન્ડિયા' અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગને નાગરિકો સમક્ષ લાઈવ પ્રદર્શિત કરવા માટે આ કંટ્રોલ રૂમની મુલાકાત ઉત્તમ સાબિત થઈ હતી. યાત્રામાં જોડાયેલા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને એન્જિનિયરિંગના યુવાનો માટે આ લાઈવ કંટ્રોલ રૂમની મુલાકાત ખૂબ જ શૈક્ષણિક અને રોમાંચક રહી હતી. આ પ્રસંગે સાંસદ ડૉ.હેમાંગ જોશી,સયાજીગંજ ધારાસભ્ય કેયુર રોકડીયા, GUVNLના સુપ્રિટેન્ડટ બી.એ.ગોહિલ, પશ્વિમ વડોદરા મામલતદાર કાંતિલાલ સહિત વિવિધ મહાનુભાવો, કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો સહિત GUVNLના અધિકારી કર્મચારીઓ યાત્રામા સહભાગી થયા હતા.
