વડોદરામાં પ્રધાનમંત્રી મોદીની અપીલ, સોનું ખરીદવાનું ટાળો અને ઈંધણ બચાવો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે દેશવાસીઓને અનેક મહત્વની અપીલ પણ કરી હતી, જેમાં સોનાની ખરીદી ઘટાડવી, ખાતરનો મર્યાદિત ઉપયોગ કરવો અને 'વોકલ ફોર લોકલ' ને પ્રોત્સાહન આપવાની બાબત સામેલ હતી.
સરદારધામ-3નું ઉદ્ધાટન
પ્રધાનમંત્રી મોદીએ વડોદરામાં સરદારધામ ભવન-3નું ઉદ્ઘાટન કર્યું અને તેની સાથે જ સરદારધામ શિક્ષણ અને સામાજિક વિકાસ માળખા સાથે જોડાયેલી અનેક નવી યોજનાઓની જાહેરાત કરી.પ્રધાનમંત્રીએ 150 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ સરદારધામ કોમ્પ્લેક્સના વિસ્તરણનો એક ભાગ છે, જે વિદ્યાર્થીઓને રહેવા અને અભ્યાસની સુવિધા આપવા માટે બનાવવામાં આવ્યું છે, ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. નવું ભવન-3, ગુજરાતમાં સરદારધામના વધતા જતા માળખાકીય સુવિધાઓનો નવીનતમ હિસ્સો છે.
કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દિવસ 'પુણ્ય પર્વ' જેવો છે. તેમણે જણાવ્યું કે આ પહેલા તેઓ સોમનાથમાં હતા, જ્યાં મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણનું સ્વપ્ન સરદાર પટેલના સંકલ્પથી પૂરું થયું હતું.
તેમણે કહ્યું કે આજે વડોદરામાં સરદારધામ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે, જે શિક્ષણ અને સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ શાનદાર- PM
તેમણે દેશમાં ચાલી રહેલા રાજકીય અને ચૂંટણીલક્ષી વાતાવરણનો ઉલ્લેખ કરતા કહ્યું કે તાજેતરના પરિણામોથી સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે. સાથે જ ગુજરાતમાં યોજાયેલી નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓના પરિણામોને પણ તેમણે શાનદાર ગણાવ્યા હતા.પીએમ મોદીએ કહ્યું કે આજે નાના શહેરોના યુવાનો સ્ટાર્ટઅપ્સમાં આગળ આવી રહ્યા છે અને મહિલાઓની ભાગીદારી પણ સતત વધી રહી છે. સરકારની યોજનાઓ જેવી કે મુદ્રા યોજના, આયુષ્માન ભારત, માતૃ વંદના અને નલ સે જલ જેવી યોજનાઓ મહિલાઓ અને પરિવારોને સશક્ત બનાવી રહી છે.
પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડો- PMની અપીલ
વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દુનિયા અત્યારે અસ્થિર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે. કોરોના મહામારી, આર્થિક પડકારો અને પશ્ચિમ એશિયામાં તણાવ તેનો ભાગ છે. તેમણે કહ્યું કે આની અસર ભારત પર પણ પડી રહી છે, પરંતુ દેશ મળીને દરેક સંકટનો સામનો કરી શકે છે.તેમણે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે દેશના સંસાધનો પરનો બોજ ઘટાડવા માટે સૌએ મળીને પ્રયાસ કરવા પડશે. તેમણે કહ્યું કે વિદેશી ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટવી જોઈએ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવી જોઈએ.
પ્રધાનમંત્રીએ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કારપૂલિંગ અપનાવવા, વર્ચ્યુઅલ મીટિંગ્સને પ્રોત્સાહન આપવા અને ડિજિટલ ટેક્નોલોજીના વધુ ઉપયોગની સલાહ આપી હતી.
તેમણે એમ પણ કહ્યું કે સોનાની આયાત પર દેશનો મોટો ખર્ચ થાય છે, તેથી વર્તમાન સમયમાં સોનાની ખરીદી ટાળવી જોઈએ. 'વોકલ ફોર લોકલ'ને એક જન આંદોલન બનાવવું પડશે જેથી ભારતીય અર્થતંત્ર મજબૂત બને અને દેશ આત્મનિર્ભર બને. તેમણે કહ્યું કે પોતાના ગામ, પોતાના શહેર, પોતાના દેશના ઉદ્યોગસાહસિકોને તાકાત આપો.
