Skip to main content
Settings Settings for Dark

વડોદરા: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નારી ગૌરવ દિવસે મહિલા ઉત્કર્ષલક્ષી કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો 

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો ચોથો દિવસ નારીશક્તિને અર્પણ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યની નારીશક્તિની અભિવંદના કરવા વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્વ આપણે સર્જ્યું છે. નારીશક્તિના આશીર્વાદથી આપણી સરકાર શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહી છે. પાંચ વર્ષ પુરા થવાનો આ પ્રસંગ એ સરકાર માટે કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસેવાના કાર્યોનો સેવાયજ્ઞ આદર્યો છે. 

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ડિસેમ્બર – ૨૦૨૨ પહેલા રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધીરાણ આપવામાં આવશે. આ નવ દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં ૧૮ હજાર કાર્યક્રમો થકી રૂ. ૧૫ હજાર કરોડના કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે. આ સેવાયજ્ઞ દરમિયાન લોકો પાસે જઈને લોકોનો વિશ્વાસ વધુ દઢ કરવો છે કે, પાંચ વર્ષ પહેલાં આપણે જે કહ્યું હતું તેનાથી અનેક ગણું વધુ આપણે કરી બતાવ્યું છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  આ જનસેવા યજ્ઞનો વિરોધ કરનારા લોકોને આડે હાથે લેતા કહ્યું કે, અમે આંબા-આંબલી બતાવનારા લોકો નથી. પરંતુ ‘જે કહેવું તે કરવું અને જેટલું કરી શકીએ તેટલું જ કહેવું’ એ અમારા સંસ્કાર છે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની પારદર્શક, નિર્ણાયક, સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકારના પાંચ વર્ષની પૂર્ણતા પ્રસંગે ચોથી ઓગસ્ટ - નારી ગૌરવ દિવસે મુખ્યમંત્રીએ રાજ્યમાં મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ યોજનાઓનો વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રાજ્યના ૧૪ હજાર મહિલા ગ્રુપોની (JLESG) એક લાખ મહિલાઓને રૂ. ૧૪૦ કરોડની વગર વ્યાજની લોનનું વિતરણ કરવા સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગના વિવિધ વિકાસ કાર્યોનું ડીઝીટલી લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું. 

    મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, જન જન પ્રત્યેની સંવેદના અને સર્વના સર્વાંગી વિકાસની વિભાવના સાથે આપણે અનેક નિર્ણયો કર્યા છે, અને લોકો સુધી તેના લાભો પહોંચાડ્યા છે. આજે એનું સરવૈયું જનશક્તિ સમક્ષ મુકવાનો અવસર છે. રાજ્ય સરકારનો કાર્યમંત્ર રહ્યો છે સૌનો સાથ-સૌનો વિકાસ અને એમાં આ વખતે આપણે એવી કરી બતાવ્યું કે સૌના સાથથી, સૌનો વિકાસ. એટલે વિકાસની આ પ્રક્રિયા પરસ્પરના સાથ, સહયોગ અને સહકાર વિના શક્ય નથી. આપણે ગુજરાતમાં સૌના સાથથી, સૌનો વિકાસ કર્યો છે.નારીશક્તિનું મહિમામંડન કરતા રૂપાણીએ કહ્યું કે, જ્યાં નારીઓનું સન્માન અને ગૌરવગાન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. એનો મતલબ કે નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે. નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે. 
    તેમણે ઉમેર્યું કે, નારીમાં રહેલી શક્તિની ઉપાસના કરીએ છીએ. નારીમાં રહેલી ઊર્જાની આરાધના કરીએ છીએ. ગુજરાતની નારી એટલે અબળા નહીં પણ તેજસ્વિતાનું અને ઊર્જાનું પ્રતીક છે. પરંપરાઓથી, સંસ્કારથી આપણે મહિલાને માનભર્યું સ્થાન આપ્યું છે. મહિલા પુરુષ સમોવડી નહીં, હવે ગુજરાતની મહિલા પુરુષ કરતાં પણ વધુ શક્તિશાળી બનાવવાનો પ્રયત્ન કરી વિવિધ ક્ષેત્રમાં સમાન તકો આપી છે. રાજ્ય સરકારની લોકોપયોગી, જનહિતકારી અને પ્રજાલક્ષી યોજનાઓ અને કાર્યક્રમો નારી ગૌરવને સમર્પિત છે.  જાપાનના ટોકીયોમાં ચાલી રહેલી ઓલેમ્પિક ગેમ્સમાં આપણા ગુજરાતની છ મહિલા રમતવીરો દેશનું પ્રતિનિધિત્વ વિવિધ રમતોમાં કરે છે. એમ તેમણે ઉમેર્યું હતું. 
        
    રાજ્ય સરકાર દ્વારામહિલાઓને સમાન હક્કો અને સમાન દરજ્જો અપાયા છે તેમ કહેતા રૂપાણીએ જણાવ્યુંકે, શાસનમાં મહિલાઓ સરખી હક્કદાર છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને ૫૦ ટકા તક આપવામાં આવી છે, આજે મહિલાઓ માત્ર ઘર નથી ચલાવતી, ગામ, શહેર, નગર પંચાયત કે  જિલ્લાની શાસનધૂરા પણ મહિલાઓના હાથમાં છે. તાજેતરમાં દોઢ લાખથી વધારે યુવાનોને કાયમી સરકારી નોકરી આપી છે તેનો સગૌરવ  ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી શ્રી જણાવ્યું કે તેમાં ૩૩ ટકા જગ્યા મહિલાઓ માટે સુનિશ્ચિત કરવામાં આવી છે. 

    ગુજરાતમાં વિવિધ વર્ગોના વિકાસ માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. તે પૈકીની ૧૮૯ યોજનાઓ સંપૂર્ણ રીતે મહિલાઓ માટેની યોજનાઓ છે. રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ છે.
    મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભૂમિકા સપષ્ટ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આપણે ગુજરાતની બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ આપી હતી. 

    આ યોજના અંતર્ગત રાજ્યમાં દસ હજાર સખીમંડળોની રચના કરવામાં આવી છે. મહિલાઓ વિનાવ્યાજે બેંકમાંથી લોન-ધિરાણ મેળવે તેવી આ દેશની પ્રથમ યોજના છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એ જોઇન્ટ લાયેબિલીટી અર્નિગ એન્ડ સેવિંગ ગૃપના આખી દુનિયાના નવતર કોન્સેપ્ટ સાથે સુસંગત ઐતિહાસિક પહેલ છે. બાંગ્લાદેશના મહોમ્મદ યુનુસે આપેલામાઇક્રો ફાયનાન્સના ખ્યાલ કરતા પણ વધુ સારી રીતે આ યોજનાને બનાવવામાં આવે છે. જે અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ છે.  આ યોજના મહિલાઓને પગભેર કરવાના લક્ષ્ય સાથે શરૂ કરી છે. 
        . 
    રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ આ અવસરે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ અને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૨માં મહિલાઓની ચિંતા કરી અલાયદો મહિલા અને બાળ વિકાસ વિભાગ શરૂ કર્યો હતો. ત્યારે તેનું બજેટ રૂ. ૪૫૬ કરોડની સામે આજે રૂ. ૩૫૧૧ કરોડનું છે. રાજ્ય સરકાર દ્વારા નારીઓના સશક્તિકરણ માટે તમામ પગલાઓ લેવામાં આવ્યા છે. મહિલાઓને વિના વ્યાજની લોન આપી પગભર બનાવવા ઉપરાંત, વહાલી દીકરી યોજના, મહિલા ઉત્કર્ષ યોજના, ગંગા સ્વરૂપા યોજના થકી મહિલાઓ માટે વિશેષ પ્રાવધાન સરકાર દ્વારા કરાયા છે.  

    મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહિલા ઉત્કર્ષ અને મહિલા સુરક્ષાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે મહિલાઓને યથાયોગ્ય સન્માન આપ્યું છે. રાજયની નારીશક્તિને પુરુષ પ્રધાન સમાજમાં સમાન સ્થાન મળે એવી યોજનાઓ અમલમાં મૂકી છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ વડોદરા જિલ્લામાં ૪૪૮ મહિલા ગ્રુપોને રૂ. એક લાખનું ધિરાણ આપવામાં આવ્યું છે. 

    ધારાસભ્ય મનીષાબેન વકીલે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સરકાર દ્વારા વિવિઘ યોજના અમલમાં મૂકી છે. આ મહિલાલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઈ મહિલાઓને આર્થિક રીતે પગભર થવા જણાવ્યું હતું. ધારાસભ્ય સીમાબેન મોહિલે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે. તે માટે રાજ્ય સરકારે વિવિધ નીતિ અમલમાં મૂકી નારીને સક્ષમ બનાવી છે. 

    મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ, મહિલા ઉત્કર્ષ યોજનાના મંડળોને સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે મહિલા ઉત્કર્ષ યોજનાની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં ગ્રામવિકાસ વિભાગના સચિવ સોનલ મિશ્રાએ સૌનો આવકાર કર્યો હતો. અંતમાં શહેરી વિભાગના સચિવ લોચન શેહરાએ આભારવિધિ કરી હતી.

    આ પ્રસંગે મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અગ્રણી શ્રી ભાર્ગવ ભટ્ટ, ડો. વિજયભાઈ શાહ, અગ્રણી પૂર્વ મેયર શ્રી ભરત ડાંગર, પદાધિકારીઓ, સચિવ કે. કે. નિરાલા, મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ, કલેકટર શ્રી આર.બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, જી.એલ.પી.સીના એમ.ડી. કે. સી. સંપટ, નગર સેવકો સહિત મહિલાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply