'વનબંધુ કલ્યાણ યોજના-2' હેઠળ વર્ષ 2021-22થી 2025-26 સુધી રૂ.1 લાખ કરોડની અંદાજપત્રીય જાહેરાત
Live TV
-
'આર્થિક ઉત્કર્ષ'ની વિવિધ યોજનાઓના માધ્યમથી ગત વર્ષ 2022-23માં અંદાજે 1.41 લાખથી વધુ આદિવાસી ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો આપી વધુને વધુ આર્થિક પગભર બનાવવાની દિશામાં ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે. ચાલુ વર્ષના ગુજરાત બજેટમાં આદિજાતિ વિભાગ માટે રાજ્ય સરકારે કુલ રૂ. 3410 કરોડની ફાળવણી કરી હતી, જેમાં સૌથી વધુ રૂ. 770.19 કરોડની રકમ માત્ર આદિજાતિના આર્થિક ઉત્કર્ષ માટે જ ફાળવવામાં આવી છે. આટલું જ નહીં આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટેની 'વન બંધુ કલ્યાણ યોજના-2' હેઠળ વર્ષ 2021-22થી 2025-26 સુધીમાં રૂ. 1 લાખ કરોડની અંદાજપત્રિય જાહેરાત પણ સરકારે કરી છે. રાજ્યના 14 જિલ્લાઓમાં 89 લાખથી વધુ આદિજાતિ વસ્તીના સર્વાંગી વિકાસ માટે આ યોજના ખૂબ લાભદાયી નિવડશે. મહત્વનું છે કે ભારતમાં કુલ આદિજાતિ વસ્તીની 8.1 ટકા વસ્તી ગુજરાતમાં છે. ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગે આદિવાસીઓના સર્વાંગી આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ 13 યોજનાઓ અમલી બનાવી છે. આદિજાતિ ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવાના ઉદ્દેશ સાથે કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2012-13માં કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ BPL/ FRAના લાભાર્થી/ આદિમજૂથ અને આદિજાતિ ખેડૂતને આપવામાં આવે છે. જેમાં સહાયરૂપે વિવિધ પાક અનુસાર સરેરાશ રૂ. 4500 જ્યારે વધુમાં વધુ રૂ. 5000 સુધીના કિંમતનું ખાતર અને બિયારણની કીટ્સનું નજીવો રૂ. ૫૦૦નો ફાળો લઈને વિતરણ કરવામાં આવે છે. 'ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023' અંતર્ગત 14 જિલ્લાના આદિજાતિ ખેડૂતોને આ યોજના હેઠળ પ્રથમવાર વિવિધ 'જાડા ધાન્ય'નું બિયારણ આપી ઉત્પાદન માટે પ્રોત્સાહિત કર્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વના પરિણામે અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટીનાં 14 જિલ્લાના આદિવાસી શહેરો-ગામોમાં વિકાસની નવતર પરિભાષા અંકિત થઇ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના સતત માર્ગદર્શનમાં પાણી, સિંચાઈ, વીજળી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવી મૂળભૂત અને આંતરમાળખાકીય સુવિધાઓથી સમગ્ર વિસ્તાર વિકાસની નવી ઊંચાઇ હાંસલ કરી રહ્યો છે.વેલાવાળા શાકભાજી માટેની મંડપ યોજનાની શરૂઆત વર્ષ 2015-16માં કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ BPL/ FRAના લાભાર્થી/ આદિમજૂથ અને આદિજાતિ ખેડૂતને આપવામાં આવે છે. જેમાં સહાયરૂપે વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા પ્રતિ લાભાર્થી રૂ.15,288ની રકમ DBT મારફતે આપવામાં આવે છે. વર્ષ 2022-23માં આ યોજના અંતર્ગત લક્ષ્યાંક મુજબ તમામ 6207 લાભાર્થીને લાભ આપવામાં આવ્યો છે.
પાવર ટીલર માટે સહાય યોજનાની શરૂઆત વર્ષ 2022-23માં કરવામાં આવી હતી. યોજના હેઠળ સહાયરૂપે આદિજાતિ ખેડૂતોને 8 બ્રેક હોર્સ પાવરથી નીચેના પાવર ટીલર માટે કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 65000 બે માંથી જે ઓછું હોય તે અને 8 બ્રેક હોર્સ પાવરથી ઉપરના પાવર ટીલર માટે કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.85000 બે માંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે. વર્ષ 2022-23માં આ યોજના અંતર્ગત 1543 આદિજાતિ ખેડૂતોએ લાભ લીધો છે. સંકલિત ડેરી વિકાસ યોજનાની શરૂઆત વર્ષ 2007-08માં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત યોજના હેઠળ BPL/ FRAના લાભાર્થી/આદિમજૂથ અને આદિજાતિ મહિલાઓને લાભ આપવામાં આવે છે. જેની હાલની યુનિટ કોષ્ટ રૂ.70,000 છે જેમાં એક દુધાળુ પશુ તથા સાધન સહાય આપવામાં આવે છે. વર્ષ 2022-23માં આ યોજના અંતર્ગત 10,944 મહિલા લાભાર્થીને લાભ આપવામાં આવ્યો છે.વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રની શરૂઆત વર્ષ-2008માં કરવામાં આવી હતી. જેમાં આદિજાતિ યુવક/યુવતીઓને રોજગારલક્ષી તાલીમ પૂરી પાડી આવક બમણી કરવાના નિર્ધાર સાથે તાલીમ કેન્દ્રો કાર્યાન્વિત છે. આ કેન્દ્રોમાં PPP પાર્ટનર માન્ય સંસ્થાઓ સહભાગી રહે છે. જેમાં ઓટો મોબાઈલ સેક્ટર, પ્લાસ્ટિક ઈજનેરી, કેમિકલ સેક્ટર, મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ, ટેક્ષટાઈલ, IT/BPO સેક્ટરમાં 1 માસથી 2 વર્ષના કોર્સની તાલીમ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત 75 ટકા સરકાર તથા 25 ટકા પાર્ટનર સંસ્થાની ભાગીદારી સાથે કેપિટલ ખર્ચ કરવામાં આવે છે, સરકાર દ્વારા 100 ટકા રીકરીંગ ખર્ચ કરવામાં આવે છે, આ રીકરીંગ ખર્ચ 75 ટકા તાલીમાર્થીને પ્લેસમેન્ટ મળ્યા બાદ જ ચૂકવવામાં આવે છે. માનવ ગરીમા યોજનાની શરૂઆત વર્ષ-1998માં કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ નિયત માપંદડ મુજબ લાયકાત ધરાવતા ગ્રામીણ-શહેરી વિસ્તારના આદિજાતિ નાગરિકોને આપવામાં છે. જેમાં સહાયરૂપે રૂ.3000 થી રૂ.48,000 સુધીની કીટ આપવામાં આવે છે. વર્ષ 2022-23માં આ યોજના અંતર્ગત 33,541 નાગરિકોને લાભ આપીને આર્થિક પગભર બનાવ્યા છે. કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજનાની શરૂઆત વર્ષ 200-01માં કરવામાં આવી હતી. યોજનાનો લાભ મેળવવા માટે આદિજાતિના અરજદારે હાયર સેકન્ડરી (10+2) અથવા ઇન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઇએ. જેમાં સહાયરૂપે મહત્તમ રૂ.૨૫ લાખની મર્યાદામાં માત્ર 4 ટકાના નજીવા દરે ધિરાણ આપવામાં આવે છે. સ્વરોજગારીની ધિરાણ યોજનાની શરૂઆત વર્ષ-1997માં કરવામાં આવી હતી. સ્વરોજગારી યોજના હેઠળ જુદા જુદા 85 વ્યવસાય માટે ધિરાણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટેની ઉંમર 18 થી 55 વર્ષ સુધી તેમજ વાર્ષિક આવક મર્યાદા રૂ.6 લાખથી વધુ ન હોવી જોઈએ. જેમાં રૂ.5 લાખની મર્યાદામાં વાર્ષિક 4 ટકાના નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. વર્ષ 2022-23માં આ યોજના અંતર્ગત 226 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. મહિલાઓને આર્થિક ઉપાર્જન માટેની નાહરી કેન્દ્ર યોજનાની શરૂઆત વર્ષ-2016માં કરવામાં આવી હતી. આ યોજનામાં 11 મહિલાઓના જૂથનું સખી મંડળ તરીકે રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. આ યોજનામાં રૂ.5 લાખની મર્યાદામાં વાર્ષિક ૪ ટકાના વ્યાજના દરે લોન તેમજ રૂ.5 લાખની સહાય એમ મળીને કુલ રૂ.10 લાખ મળવા પાત્ર છે. વર્ષ 2022-23 માં આ યોજના અંતર્ગત 16 સખીમંડળોએ તેનો લાભ લીધો છે. વકીલાત માટે સ્ટાઈપેન્ડ યોજનાની શરૂઆત વર્ષ-1987 માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાયકાત માટે સિનિયર વકીલ ઓછામાં ઓછા 7 વર્ષ પ્રેક્ટીસનો અનુભવ, જુનિયર વકીલે સિનિયર વકીલના માર્ગદર્શનમાં પ્રેકટીસ કર્યા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જેમાં સહાય રૂપે જુનિયર વકીલને ત્રણ વર્ષનું રૂ. 28,800 સ્ટાઇપેન્ડ. પ્રથમ વર્ષે માસિક રૂ.1000 બીજા વર્ષે માસિક રૂ.800 અને ત્રીજા વર્ષે માસિક રૂ.600 આપવામાં આવે છે. આ યોજના હેઠળ સિનિયર વકીલને પણ ત્રણ વર્ષ સુધી માસિક રૂ.500 લેખે કુલ રૂ.18,000 એલાઉન્સ મળવાપાત્ર થાય છે. વર્ષ 2022-23માં આ યોજનાનો 40 આદિજાતિ વકીલોએ લાભ લીધો છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટેની GPSC કોંચિંગ યોજનાની શરૂઆત વર્ષ 2019-20માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળની લાયકાતમાં સ્નાતક થયેલ આદિજાતિ યુવક-યુવતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સહાયના ધોરણ મુજબ વર્ગ-1 અને 2ની સ્પર્ધાત્મક પરીક્ષા અંગે કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી રૂ.20,000 ની સહાય DBTના માધ્યમથી આપવામાં આવે છે. વર્ષ 2022-23માં આ યોજના અંતર્ગત 2500 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કોચિંગ લીધુ છે. ચેકડેમ અને ઉદવહન સિંચાઈ યોજનાની શરૂઆત વર્ષ 2015-16માં કરવામાં આવી હતી. કોઈ પણ આદિજાતિ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. સહાયના ધોરણ અનુસાર આદિજાતિ ખેડૂતોને સિંચાઇની સુવિધા પુરી પાડવા આવે છે. વર્ષ 2022-23માં આ યોજના અંતર્ગત 16 ખેડૂતોએ લાભ લીધો છે. વર્ષ 2003માં આદિવાસી બાંધવોના વિકાસ માટે માત્ર રૂ.208 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવતી હતી જ્યારે હાલમાં એટલે કે વર્ષ 2023-24ના બજેટમાં આ રકમ વધારીને રૂ.3410 કરોડ કરવામાં આવી છે.